પૃષ્ઠ:Pratimao.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આખરે
27
 

રહી હતી.

“ઊભાં રહો ! હું આવું કે વાંદરાઓ?” એવી મીઠી હાક મારતી છોકરાની માતા રસોડામાંથી ધસી આવી. પતિને દેખી હસી પડી. ત્યાં તો બારણા પાસે કોઈ અપરિચિત સ્ત્રીને દેખી એ સ્થિર બની. ઘોડો બનેલ બાપાએ ઊભા થઈ, કપડાં ખંખેરી, એક વાર મહેમાનને નિહાળ્યા પછી પત્નીને પરિચય આપ્યો: "આ બહેન કોલેજમાં અમારી જોડે ભણતાં'તાં. બહુ ભલાં છે. આજે સાત વરસે અમે ઓચિંતાં મળી ગયાં, તમને સહુને મળવા માટે જ ખાસ અહીં આવેલ છે.”

"એમ?" કહેતી પત્ની મહેમાન યુવતીની નજીક ગઈ. “આવો, આવો. ને અંદર."

પુરુષને બીક લાગી કે રખે કયાંક કીકાકીકીની બા એના હીંગમરચાંવાળા અજીઠા હાથે આ મહેમાનને શરીરે હેત કરવા લાગશે ! રખે એના નજીક જવાથી એનાં ધુમાડેલાં કપડાંની ને પસીનાની દુર્ગંધ એ સ્વચ્છ સુંદર અતિથિને અકળાવી મૂકશે. પરંતુ સારે નસીબે પત્નીએ સભ્યતા સાચવી. પતિની અને મહેમાનની જોડે પોતે પણ આછું આછું હસતી બેઠકમાં બેઠી. છોકરાં રસોડા તરફ ચાલ્યાં ગયાં. ત્યાંથી પાછા ધમાચકડીના શોર શરૂ થયા. થાકીને ઘેર આવતા ધણીની સાંજને શાંતિમય રાખવા ટેવાયેલી સ્ત્રીએ ઊઠીને કહ્યું: “હું હમણાં જ આવી, હો કે? ચૂલે રસોઈ છે, ઢોકળાં વધારીને આ આવી ! બેસજો; અહીં જમીને જ જજો.”

પલવારમાં તો એના તરવરિયા પગ એને રસોડામાં ઉપાડી ગયા. નીચાં ઢળેલાં નેત્રોને પુરુષે મુક્તપણે ફરી પાછાં મિત્ર સામે માંડ્યાં; અને રસ્તે થયેલી વાતચીતના અનુસંધાનમાં એ બોલ્યો: “આ જોયા હવાલ? આમાં છે ક્યાંય પ્રેરક કે પ્રોત્સાહક વાતાવરણ? આ હીંગ-મરચાંના વઘાર વચ્ચે તે હું શી રીતે એ પુસ્તક પૂરું કરું? ઘેર આવું છું ત્યાં જ જીવન થીજી જાય છે.”

"પણ તમે એ જૂનું લખાણ તો લાવો ! નવું જેટલું લખ્યું હોય તેટલું પણ મારે જોવું છે. એવી તેજસ્વી કલમ શું આમ મરી જશે? ના, ના, હું