પૃષ્ઠ:Pratimao.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
30
પ્રતિમાઓ
 

થશે.”

તે રાત્રિની નીંદમાં પુરુષે કૈં કૈં સ્વપ્ન દીઠાં. એક સુંદર મુખ જાણે એને અવાજ દેતું હતું: ‘બહાર નીકળ! તું આ અંધારા ઘરમાંથી બહાર આવ! વિશાળ દુનિયા તારો બોલ ઝીલવા ઝંખી રહી છે. તને હું જગતના શિખર પર બેસાડીશ.'

[3]

વળતે જ દિવસે સાંજે ઑફિસમાંથી છૂટીને કારકુન બંધુ બારોબાર પોતાની નવી મિત્રને ઘેર ગયા; એની લાકડી, ટોપી ને કોટ એ મિત્રે સ્વહસ્તે જ ઉતરાવીને ખીંટી પર ગોઠવી દીધાં, પછી એને પોતે મકાનમાં ફેરવવા લાગી, ઠેરઠેર એ પુરુષે સાહિત્યરસની સાક્ષી પૂરતાં પુસ્તકો, કલાત્મક ચિત્રો વગેરે સામગ્રીના શણગાર દીઠા. ઘરની ચીજે ચીજ સુવ્યવસ્થિત; જરા પણ અવાજની અડચણ નહિ; આહાહા ! સાહિત્યનું સર્જન કરવા માટે કેવું પ્રેરક વાતાવરણ ! પુરુષને દરેક ઓરડો દેખાડતી એ મિત્ર પૂછતી હતી કે “અહીં તમને લખવાનું ન ફાવે? અહીં એકાદ-બે કલાક બેસો તો નવલકથા પૂરી ન કરી શકો? પૂરી કર્યા વિના તો નહીં જ ચાલે. એ પુસ્તકના હજાર રૂપિયા તો હું તમને અપાવ્યે જ રહીશ અને એની સાત આવૃત્તિ તો હું તમને ત્રણ વર્ષમાં બતાવી આપીશ. બોલો, અહીં બેસીને લખશો?”

"ને જુઓ,” એને ઉપલે માળે તેડી જતાં જતાં કહ્યું: “મારી બેઠક તો નીચે છે, ને તમે તમારી બેઠક આ કૅબીનમાં રાખી શકો.” એમ કહી એણે એક નાજુક ખંડનાં દ્વાર ખોલ્યાં. શો સુંદર સ્ટડીરૂમ ! પુરુષનું મનપંખી જાણે એ જીવન-માળામાં ગોઠવાઈ ગયું.

"હું –" સ્ત્રીએ ખાતરી આપી: “હું પણ તમને લેખનકામમાં અડચણ પાડવા જરીયે નહીં આવું. જુઓ, આજે એકાદ કલાક બેસીને અનુભવ કરો, ફાવે તો પછી કાલથી નિયમિત બબે કલાક આવીને લખજો.”

– ને પુરુષે તે દિવસનો અનુભવ લઈ જોયો, ગમી ગયું, ખાતરી થઈ કે અહીં તો કલમ અને કલ્પનાશક્તિ બન્ને જાગી ઊઠશે.