પૃષ્ઠ:Pratimao.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
32
પ્રતિમાઓ
 

તેને રોકી લઈ માએ ઘરમાં લીધાં, સહુને ખવરાવી લીધું. સુવરાવ્યાં, પોતે જમ્યા વગર રસોઈ કાઢી નાખી, ઢાંકણઝૂંબણ કરી મોડી રાતે ઊંઘી ગઈ.

[5]

બારણામાં એ દાખલ થયો ત્યારે એના પગલામાં જોશ હતું. ચહેરા પર ચમક હતી. આખા દેહમાં વિજયનો ઉમંગ ઉછાળા મારતો હતો. હાથમાં એક કાગળિયો હતો.

“ક્યાં ગઈ? તું ક્યાં છે?” એણે સાદ દીધો. ત્યાં તો પાંચ બચ્ચાંની મા બે સૂના દિવસો કોઈ કુસ્વપ્નાની માફક ઊડી ગયા હોય તેમ મેડી પરથી દોડતી આવી. એને પૂરી સીડી ઊતરવા દીધા પહેલાં તો પતિ સામે ધસ્યો, અને એના હાથમાં કાગળિયો ધરી દીધો.

"પાંચસો રૂપિયાનો ચેક ! મને પેલાં બહેનની મદદથી પ્રકાશકે આ પાંચસો રૂપિયાનો ચેક ઍડવાન્સમાં આપ્યો. આપણી નવલકથા પૂરી થયે હજાર રૂપિયા ચૂકવવાના છે. અદ્ભુત ! પ્રકાશકોએ મારી કૃતિને અદ્ભુત કહી. આપણાં દાળદર હવે ફીટી ગયાં. હવે તમે સહુ બસ છૂટથી મોજ કરો. તારે માટે સાડી-પોલકા ને છોકરાં સારુ નવાં કોટપાટલૂન સીવવા નાખો. હવે તારે જરાય મૂંઝાવાનું નથી, સમજી? હવે મારી કલમમાં નવું જોમ આવી ચૂક્યું છે. તું જોજે તો ખરી, એક વર્ષમાં તો હું જગતની ટોચે ચડી બેસીશ. હવે મારે 60 રૂપિયાની કારકુની શા માટે કરવી? આજે જ રાજીનામું ફગાવીને નીકળી ગયો છું. મને આજે મારી છૂપી શક્તિનું આત્મભાન થઈ ગયું છે. બસ, હવે લહેર કરો તમે બધાં, લહેર કરો.”

– ને એ પત્ની-હૃદયના સામા પડઘાની વાટ જોતો ઊભો રહ્યો. પત્ની દાદરના છેલ્લા પગથિયા પર અટકી ગઈ. એનાં આંગળાં પેલાં પાંચસો રૂપિયાના લીલાલીળા ચેકને યંત્રવતુ પકડી રહ્યાં હતાં. એ પાંચસો રૂપિયાની રકમની માલિકીએ એના આંગળાંમાં કેમ કશી વીજળી ન પ્રગટાવી? કેમ એનું મોં વેરાન સરખું સૂનકાર અને ઉજ્જડ જ રહ્યું? એની આંખોએ પતિના ઉલ્લાસનું એક કિરણ પણ કેમ ન ઝીલ્યું? સ્વામીનો આટલો ઊર્મિઉછાળ, સાગરની ધરતી છોળ ધરતીના કિનારા પર અથડાઈને વેરણછેરણ થઈ