પૃષ્ઠ:Pratimao.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
36
પ્રતિમાઓ
 

મા ચૂલો ફૂંકેલ મોંએ ને બળતી આંખે દોડી આવી.

“બા, ઓ બા!” એવા આર્તસ્વર કરતા કીકાને ‘મા, મા! મારા બાપ! શું થયું મારા પેટને?’ એવા લાલનસ્વર સંભળાવતી માએ તેડી લીધો. ખોળામાં સુવાડયો, કયાં ક્યાં વાગ્યું તે તપાસવા લાગી.

“બટુકાભાઈએ મને ધક્કો માર્યો.”

બટુકો કહે: “મેં કાંઈ જાણી કરીને માર્યો છે? અમને કેમ નો'તો જોવા દેતો

“શું જોવા?” માએ પૂછયું.

“બાપુ ખેલ કરતા'તા ઈ... ઈ!”

"શાનો ખેલ?” મોટાં છોકરાં પોતે મોડાં પડયાં એથી પશ્ચાત્તાપને સ્વરે પૂછી ઊઠાયાં.

બટુકાએ જીભ કાઢીને બાપ જે કરતા હતા તેનો અભિનય કરી બતાવ્યો.

"તો હવે રહે રહે, પાજી!” એટલું મા જ્યાં બોલી ત્યાં જ મેડીનું દ્વાર ઊઘડયું, ને બાપુની ચૂપચાપ કઠોર મુખમુદ્રા નીચે ઊતરી.

"બાપુનો તમાશો! બાપુનો તમાશો !” એવું બરાડતાં બીજાં ચારેય જણાં ઘરબહાર નાસી ગયાં, ને અહીં ભેંકડા કાઢતા કીકાને 'ખમા મારા બાપ, તને ખમા!' એમ પટાવતી માતાએ પતિની સામે લજ્જિત મોંએ નીરખ્યું; બોલી: “મને બહુ જ શોક થાય છે. તમને મેં શાંતિ જાળવવાની ખાતરી આપી, મેં છોકરાંને ઘણું ઘણું વારેલાં, પણ હું કઢી ઊભરાઈ જાય એ બીકે રસોડામાં ગઈ, ત્યાં આમ બની ગયું.”

પતિ હોઠ ભીંસીને ચૂપચાપ ટેલવા લાગ્યો. પત્નીના મોં પરની કાકલૂદી એણે દીઠી નહીં.

"અં... અં... અં!” કીકો પોતાના દુખતા અંગની રાવ કરતો બોલી ઊઠયોઃ “હું મરી ગિયો રે...!”

"ના, ના, ના, મારા વા'લા!” માએ એને છાતીએ ચાંપ્યો: “તું શીદ મરે, બાપ! તારા જેવા તો મારે એકને સાટે એકવીસ હોજો ને!”