પૃષ્ઠ:Pratimao.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
38
પ્રતિમાઓ
 

નિમંત્રણો મળે છે. વર્તમાનપત્રો એની મુસાફરીઓનાં બયાનો ને એની ભાતભાતની તસવીરો પ્રગટ કરે છે.

એક દિવસ એક દૂર દૂરના નાના શહેરના હોટેલમાં આ પ્રતાપી યુગલનો મુકામ પડયો. વળતે દિવસે પ્રભાતે એને એક કાગળ મળ્યો. અક્ષરો પરિચિત નીકળ્યા. લખ્યું હતું: 'અમે અહીં છીએ. છોકરાંને મળવા માટે એક વખત આવી શકશો ?'

વાંચતાં જ વાત્સલ્યનો તીણો તંતુસ્વર એના હૃદયમાં સંભળાયો.

ચાલીસ વર્ષની આધેડ માતા એક નાના સાદા મકાનમાં પોતાનું જીવનસ્વર્ગ પાથરીને રહેતી હતી.

આજકાલ કરતાં એણે દસકાનો આયુષ્ય-પંથ પાંચેય બચ્ચાંને કપાવી દિધો છે. સહુથી મોટેરા પુત્રનો ભરડાયેલો કંઠ અને કદાવર દેહ-ઉઠાવ એણે યૌવનમાં પ્રવેશ કર્યો હોવાની યાદ આપી રહ્યો છે. પાડોશીની કન્યા માટે એનું માગું પણ આવી પડયું છે. ભવિષ્યની પુત્રવધૂ ઘરમાં આવ-જા કરે છે, પુત્રીને માટે પણ મન હરતા મુરતિયા આંટા ખાય છે. જોડકા પુત્રો પંદર વર્ષની કિશોર ઉમ્મરે અશ્વિનીકુમારો જેવા દીપે છે. ને કજિયાળો કીકો પણ ઠીક ઠીક કાઠું કાઢી રહ્યો છે.

બેઉ લમણાં અને તાળવાના ભાગ ધોળા બની ગયેલ અને પાંખા પડેલ વાળ માતાને વીતેલાં વીતકોના જીવનલેખ જેવા લાગે છે. એક દિવસ એ માથા પર કમ્મર સમાણી કાળી કેશ-લટો ઝૂલતી હતી. અત્યારે એ પાંખી શ્વેત લટો કિનારા પર પહોંચી રહેલ નૌકાની ધજાઓ-શી શોભે છે. પાંચ બચ્ચાં અને બે ભાવિ સંસારમાં ભળનારાં એમ સાતેયનાં મુખકલ્લોલ નીરખતી મા ધીરું ધીરું મલકાય છે. એ મલકાટની નીચે સંસારની કંઈક મૃતિઓ દટાયેલી પડી છે.

દ્વાર પર ટકોરા પડયા. ઉઘાડતાં જ પિતા આવી ઊભો રહ્યો. માતાએ નિહાળીને જોયો. અકથ્ય કોઈ લાગણીનો આવિર્ભાવ રોકવા માટે એણે આંખો મીંચી દીધી. પિતા તો આ કુટુંબને કોઈ સ્વપ્નની સુષ્ટિ જેવું જોઈ દિગ્મૂઢ બની ગયો. માએ સંયમ જાળવીને આંખો ઉઘાડી.