પૃષ્ઠ:Pratimao.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આખરે
41
 

ભાળ મેળવી શક્યું નહીં. આપણે જૂને સરનામે હું તને મનીઓર્ડરો મોકલવા લાગ્યો, કે જેથી તારું સાચું સરનામું જડે, પણ મનીઑર્ડરો બધાં જ પાછાં વળ્યાં.”

પત્નીએ કશો જ ઉત્તર આપ્યા વગર પતિની સામે સહાસ્ય જોયા કર્યું.

"તેં શી રીતે આટલાં બધાંનું ગુજરાન કર્યું?”

એનો પણ ઉત્તર પત્ની તરફથી ન મળ્યો. બરાબર એ જ ક્ષણે એક સ્ત્રીએ ત્યાં આવીને પત્નીને પૂછ્યું: “મારા માપનું બદન તૈયાર હશે, બહેન ?”

સ્વામી સમજી ગયો; સ્ત્રીએ પરાયાં કપડાં સીવીસીવીને પેટ ભર્યા હતાં. દસ વર્ષો સુધી એણે રાત-દિવસ દરજીકામ કર્યું હતું. આંખોનાં હીર અને આંગળીઓના આ ટુકડા એણે વેચ્યાં હતાં. ઊંડા ગયેલ ગાલ અને બેસી ગયેલ લમણાં ઉપર એ કથા અંકિત હતી.

થોડી વાર બેઉ એની એ સ્થિતિમાં ઠરી રહ્યાં. ઘરમાં કોઈ નહોતું, પત્નીને આશા હતી કે નજીક આવી વહાલ દેખાડશે. ત્યાં તો પુરુષે રજા માગીઃ “હું હવે જઈશ.”

“ભલે.”

“કાલે પાછો છોકરાંને મળવા આવીશ.”

“સારું.”

મોટરને ચાલુ કરતા પિતા પ્રત્યે એક પછી એક પાંચ બાળકોએ રસ્તા પર હારબંધ ઊભા રહીને 'બાપુ, આવજો !' 'બાપુ, આવજો !' એવું બોલી નમન કર્યાં.

પાંચેય જણાંને ચકિત કરતો મહાપુરુષ ચાલ્યો ગયો.

ઘરની બારીમાં ઊભેલી માતા મોટરના ધુમાડા દેખાયા ત્યાં સુધી ખસી નહીં.

પછી એણે ધીમે ધીમે બારી પર પરદો સરકાવ્યો. બાળકોને ઘરમાં ‘બાપુ’ સિવાય બીજો કોઈ વાતચીતનો વિષય ન