પૃષ્ઠ:Pratimao.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
42
પ્રતિમાઓ
 

રહ્યો.

બીજે દિવસ પિતા પાછો મોટર લઈને આવ્યો. બાળકોને પૂછ્યું: “ફરવા ચાલશો?"

છલાંગો મારીમારીને પાંચેય છોકરાં બાપની મોટરમાં ચડી બેઠાં. રાત્રિએ પાછાં આવ્યાં ત્યારે મા રાંધણું કરીને બેઠી હતી. પતિનો રઝળુ -આત્મા ધીરે ધીરે સંતાનોની વહાલ-બેડીમાં બંધાઈ રહ્યો છે. એમાં એનો ઊંડો ઉલ્લાસ હતો. એક દિવસ ફરીને પાછો એ કુટુંબમાં બેસશે એ એનું સ્વપ્ન હતું. રખે સ્વપ્ન ભાંગી જાય, એ બીકે એનાં નેત્ર અર્ધમીંચેલાં જ રહેતાં. કોઈ ન દેખી જાય તેટલા ઊંડાણમાં આ સુખ પોતે સંઘરતી બેઠી હતી.

“બા ! ઓ બા !” છોકરાંએ ઘેર આવીને ઘરને ચકડોળે ચડાવ્યું: “બહુ મજા આવી. મોટરમાં બહુ મજા આવી. બાપુની જોડે પેલાં પણ હતાં; બાપુ તો એને ‘રાણી' કહી બોલાવે છે. બાપુએ તો અમારા પર કેટલું બધું વહાલ કર્યું ! અમને મો....ટા મોટા બનવાની વાતો કીધી.”

બા સાંભળી જ રહી. એના સુખસ્વપ્ન પર કોઈ વાદળીની છાંયડી પડી.

કીકાએ કહ્યું: “ને બા, બાપુ અમને અહીંથી નગરમાં લઈ જવા જ આવેલ છે. અમને ત્યાં મો...ટી મોટી નિશાળમાં ભણાવવાના છે.”

“ઓ...હો” બાની દ્રષ્ટિ હવે કશુંક સ્પષ્ટ જોવા માટે સ્થિર બની.

"હા, બા. સાચું,” બેલડા પુત્રોએ સાખ પૂરી: “ત્યાં અમને નિશાળે લેવા-મૂકવા મોટર જ આવવાની. ત્યાં અમારે આ કપડાં પહેરવાનાં નથી. નગરમાં જઈને એકદમ બાપુ નવાં કપડાં કરાવી આપવાના.”

કીકો બોલ્યો: "મને તો બાપુની 'રાણી' તારા કરતાંય વધુ વહાલી લાગે છે. તું તો અમને થીગડાંવાળાં કપડાં પેરાવે છે ને!”

"હો-હો-હો, બેટા કીકા ! તુંયે આમ બોલીશ!” કહેતી, હૃદયની આંકડી જેવું હાસ્ય કરતી એ કીકાને છાતીએ વળગાડી રહી. પણ કિકો બાના એ કઠોર બનેલા આલિંગનમાંથી છૂટવા મથતો હતો.