પૃષ્ઠ:Pratimao.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
44
પ્રતિમાઓ
 


"બા કહે છે કે એના દા'ડા શે ખૂટે માટે કીકો એક અહીં રહે.”

“ના, ના.” બાએ હસીને જવાબ દીધો: “હું ક્યાં એવું કહું છું! કીકો પણ ભલે સહુ જોડે આવે.”

કીકાએ પથારી ખૂંદવાનું છોડીને ઘેલા હર્ષે ભરી દોટાદોટ કરી મૂકી.

"ત્યારે હવે ?” પિતાએ મોઘમ પ્રશ્ન કર્યો.

“આમ જરા આવશો?” કહી મા પિતાને એક બાજુ પર લીધા. બોલી: “આખરે આમને સહુને ય ઉપાડી જશો? મારી કને કશું જ નહીં રહેવા દો શું?”

માના શબ્દો સાંભળી ગયેલાં છોકરાં ધસી આવ્યાં. બાપની બાજુએ જાણે સૈન્યના લડવૈયા હોય તેમ ઊભાં રહ્યાં. બાને કહેવા લાગ્યાં: “આમ શું કરે છે તું, બા ! અમારી આડે શીદ આવે છે ! અમને ભણવા કરવાનું ને આગળ વધવાનું મળે છે તે તારાથી કેમ નથી જોવાતું? તું આવી અદેખી કેમ થાય છે?"

"હં-હં!” માતાએ છોકરાંની દલીલ ગળે ઉતારી નાખી. “તેમના ઉત્કર્ષની વચ્ચે હું જનેતા આડખીલી બનું છું. ત્યારે તો કંઈ નહીં !”

માએ કહ્યું: “છોકરાંઓ, છેલ્લી વારનો ચા-નાસ્તો કરી લો.” માએ પ્યાલા, ચાહની કીટલી, ઢેબરાં, પેંડા, મોસંબી વગેરે સવારની નાસ્તા-સામ્રગી તૈયાર પીરસી રાખેલી. ટેબલ છલોછલ ભરેલું.

છોકરાં એક પછી બોલ્યાં: ‘મને તો ભૂખ જરીકે નથી લાગી.' 'મને ય નહીં.' 'મને પણ ઇચ્છા નથી.'

સહુને નિર્વિઘ્ને નીકળી જવાની તલપાપડ ઇચ્છા હતી.

બાળકના શબ્દો માના કલેજા પર કંકણાના પ્રહાર સમ પડી કોઈ નવીન નકશી કંડારતા હતા.

“ઠીક ત્યારે, રજા લઈ લો.”

એક પછી એક બાળકને માએ હસી હસી મળી લીધું. જાણે બધાં સાંજ સુધીની જ સેલગાહે જાય છે.

કીકાને વિદાયની બચ્ચી ભરતી ભરતી એ જોરથી હસી.