પૃષ્ઠ:Pratimao.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
45
આખરે
 


વિદાયવિધિને બની શકે તેટલી ટૂંકી કરાવીને છોકરા પોતપોતાની પેટીઓ લઈ બહાર મોટરમાં ચડી બેઠાં, ગોઠવાઈ ગયાં. પરસ્પર વાતો કરવા લાગ્યાં: “બાપુ તે હવે કેટલીક વાર ઊભા રે'શો બા કને? કેટલું મોડું થઈ ગયું!”

ખાલી ઘરમાં બન્ને જણાં સામસામી મીટ માંડી ઊભાં રહ્યાં. પત્નીના હોઠ મલકી રહ્યા છે.

"અદ્ભુત ! અદ્ભુત ! અદૂભુત !" એ ત્રણેય શબ્દોમાં પોતાનો પરાજય ઉચ્ચારી પુરુષે ઘર બહાર પગલાં માંડ્યાં. નીકળી ગયો. રવાના થતી મોટરને નીરખવા આજે પત્નીએ બારીનો ચક ચડાવ્યો નહીં.

નિઃસ્તબ્ધ ઘરમાં એ એકાકિની ઊભી હતી. અવાજ આવ્યોઃ “મીં...યા...ઉં!”

ઘરની પાળેલી મીની સામે આવીને ઊભી હતી. પૂંછડી પટપટાવી આમતેમ દોડાદોડ કરીને પછી અવાજ કાઢતી મીની જાણે કરગરતી હતી.

શું કરગરે છે? માને સમજાયું. 'ઓહો, તારે પણ જવું છે ને? સુખેથી જા. બહેન, તુંયે સુખેથી જા.'

માએ બારી ઉઘાડી. મીની સડેડાટ બહાર સરકી ગઈ.

સૂનકાર પરિપૂર્ણ બન્યો.

એ નીરવતામાં એકાકાર બની જતી મા ઊભી રહી. જીવનનો સરવાળો નીકળી ચૂક્યો છે. હિસાબની પતાવટ થઈ ગઈ છે.

માએ બાજુમાં જોયું. સાત પ્યાલા, સાત રકાબી, દૂધનું વાસણ, મેવો અને ઢેબરાં, નીરવતામાં વૃદ્ધિ કરતાં પડ્યાં છે. પૂછે છે જાણેઃ તું કોની રાહ જુએ છે, મા?

કોની રાહ?

કોઈની નહીં. કોઈની નહીંઃ મીનીની યે નહીં.

મેજ ઉપર એ બેઠી, આજ પહેલી જ વાર એણે લાગણીઓ પરનો કાબૂ ખોયો. હવા સાથે મૂઠી અફળાવતી બોલી: “અદ્દભુત ! અદ્ભુત ! અદ્ભુત !”