પૃષ્ઠ:Pratimao.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
48
પ્રતિમાઓ
 

દેહની અંદરથી ઊઠતા ઝીણા આત્માના અવાજ જેવો દેખાતો એ વીસ- બાવીસ વર્ષનો પીડાતો જુવાન એ ખાલી મંદિરમાં હળવે પગે ચાલીને ગર્ભાગાર સુધી પહોંચ્યો અને એને ધર્મગુરુએ અવાજ દીધો.

“તું કોણ છે, ભાઈ?" એ ભય પમાડે તેવી એકાન્તમાં આ મવાલી જેવા જુવાનને જોઈ ધર્મગુરુએ વિહ્વળ સ્વરે પૂછ્યું.

“હું – હું ખૂની છું. મેં મારા સગા હાથે હત્યા કરી છે. બહુ ભયાનક હત્યા કરી છે. બહુ ભયાનક હત્યા કરી છે, ગુરુદેવ ! હું એ પાપનો એકરાર કરવા અને એનું પ્રાયશ્ચિત લેવા અહીં આવ્યો છું. મેં હત્યા કરી છે." યુવક આંત:તાપમાં તરફડતો હતો.

"હત્યા! કોની હત્યા ? ક્યાં ?” ધર્મગુરુએ પૂછ્યું.

“બે વર્ષ ઉપર. મહાયુદ્ધની રણભૂમિમાં. એક મારા જ જેવડા જુવાનને મેં મારી બંદૂકથી ઠાર માર્યો છે. એણે મારું કંઈ જ નહોતું બગાડયું."

"ભાઈ, હું તારા આ પ્રલાપમાં કશું જ સ્પષ્ટ સમજી શકતો નથી.” ધર્મગુરુનું વિસ્મય વધતું જતું હતું, અને વધુ વધુ વ્યગ્ર બનતો જતો એ જુવાન પોતાની સગી આંખો સામે એક અતિ કરુણ શબ્દચિત્ર આંકતો આંકતો વલોવાયે જતો હતો.

"ગુરુદેવ ! હું યે આપણા વિદ્યાલયમાંથી અભ્યાસ છોડી, સ્વદેશની રક્ષાનો સાદ પડતાં સૈન્યમાં ભરતી થઈને લડવા ગયો હતો. એ એક દિવસ અમારી ટુકડીએ ઓચિંતો આપણા શત્રુદળની ખાઈઓ ઉપર છાપો માર્યો. હુકમ સાંભળતાં મેં પણ મારી બંદુક છોડી અને મારી ગોળીથી વીંધાઈને એક આદમી ઠાર થયો છે એ દેખી હું પણ હર્ષોન્માદમાં રણકિકિયારી કરતો ધસી ગયો. જતાં મેં ત્યાં શું જોયું ? છેલ્લાં ડચકાં ભરતો એક જર્મન જુવાન: મારા જેવડી જ ઉંમર હતી એની: એની બંદુક આઘે પડી હતી. એની કને એક પણ હથિયાર નહોતું. એની સન્મુખ બે જ ચીજો પડી હતીઃ જર્મનીના જગત-વંદ્ય સંગીતકાર બીથોવનનાં સંદર ગીતોની સ્વરલિપિનું પુસ્તક: એ પુસ્તકમાંના એક પ્રેમગીતવાળા પાના ઉપર એક અધૂરો લખાયેલો પ્રેમપત્ર: અને એક શાહીભરી કલમ.