પૃષ્ઠ:Pratimao.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુત્રનો ખૂની
49
 

“કાગળ એ પોતાની વિવાહિત કન્યા ઉપર લખી રહ્યો હશે. કાગળમાં યુદ્ધની કારમી હિંસા અને કરુણતા ઉપર ઉદ્ગારો ટપક્યા હતા. લખ્યું હતું કે આ ફ્રેન્ચ જુવાનોને અમે શા સારુ સંહારી રહ્યા છીએ તેની મને ગમ નથી પડતી. એના શ્વાસ ખૂટતા હતા. એની આંખો મારી સામે ગરીબડી દષ્ટિ નોંધીને તાકી રહી. મેં એના હાથમાં કલમ પકડાવી. એ કાગળને છેડે સહી કરવા માટે હાથ મુકાવ્યો. એણે પોતાના નામના અક્ષરો પાડવા માંડયાઃ Walte – આમ પાંચમે અક્ષરે આવતાં તો એનો દેહ ઢગલો થઈ ગયો ને પછી છેલ્લો અક્ષર r મારે હાથે ઉમેરીને મેં એનું 'વૉલ્ટર' એવું નામ પૂરું કર્યું. ને એ કાગળ એના ગામની ટપાલમાં નાખ્યો. આજ બે વર્ષે પણ એ હત્યાની છબી મારા મન પરથી જતી નથી. બહુ દારુણ કૃત્ય મેં કર્યું છે, ગુરુદેવ ! હું એના અનુતાપમાંથી ઊગરવા આજે અહીં આ વધસ્થંભ પર ચડેલી ઈસુની મૂર્તિ સામે આવી ઊભો છું. મને મુક્તિનો માર્ગ બતાવો.”

રાજની જિવાઈ ઉપર જીવતા એ રાજમંદિરના પુરોહિત પાસે આ વાતને સમજવાની બુદ્ધિ નહોતી. દેવળ દેવળે તે દિવસોમાં પોતાના દેશપક્ષનો જ વિજય પ્રાર્થવાામાં આવતો, બંદગીઓમાં હમેશાં સામા દળનો નાશ જ ઈચ્છાતો. ઈશ્વરને પોતાના જ દળના દારૂગોળા અખૂટ રાખવાનું વિનવવામાં આવતું. એવા રાષ્ટ્રધર્મમાં રંગાયેલા ધર્મગુરુએ એને સાંત્વન દીધું કે “એમાં શું, બેટા ? તે તો તારો ધર્મ બજાવ્યો છે.”

"ધર્મ મારો ધર્મ !” યુવાન ચીસ પાડી ઊઠયો. ધર્મગુરુ સામે તાકી રહ્યો: "માણસ માણસની હત્યા કરે એ અમારો ધર્મ ! આ ઈશ્વરના ધામની અંદર શું હું આ ઉત્તરની આશા કરીને આવ્યો હતો!” એની હૃદય-યાતનાએ એનો સાદ ફાડી નાખ્યો.

[2]

“હાં, જો બચ્ચા ! તને આ ફક્કડ દવા આપું છું. તને જલદી આરામ આવી જશે. પણ જોજે હો, મોટો થાય ત્યારે કોઈ ફ્રેંચ બચ્ચાને દીઠ્યે મેલીશ શા મા, હો ! જેટલા બને તેટલા ફ્રેંચોને ઠાર કરજે, હો કે બેટા ?”

“હોવે હોવે, દાક્તર દાદા ! ફ્રેંચ બચ્ચાનું તો હું ખૂન પી જઉં.”