પૃષ્ઠ:Pratimao.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુત્રનો ખૂની
51
 

સંસારની વાતોએ ચડીને કબ્રસ્તાન સોંસરવા ચાલ્યા જાય છે.

બીજા એક ખૂણામાં એક ખાંભી ઉપર હાર પધરાવીને એક યુવાન આંખો મીંચી, હાથ જોડી, અદબથી ઊભો હતો. એની આંખો વહેતી હતી. થોડે દૂર ઠ..ક ક! ઠ.. ક ક ! કોદાળીના ઘા પડતા હતા. ઘોરખોદિયો એક નવી કબર ખોદી રહ્યો હતો. એની ટાંપ આ ધ્યાનસ્થ ઊભેલા યુવક તરફ જ હતી. વારંવાર ઘોરખોદુની કોદાળી થંભતી ને એની આંખો કોઈ ભયસૂચક આશ્ચર્યથી ભરાઈને તાકી રહેતી. ગામમાં આવેલો એ નવો મુસાફર કોણ હતો?

દાક્તરને ઘેરથી નીકળેલી એ યુવાન કુમારિકા પણ ખાંભીઓના આ વનને વીંધતી વધતી આખરે એ જ આરામગાહ ઉપર આવીને થંભી ગઈ. પણ જ્યાં ફૂલહાર ધરવા જાય છે ત્યાં તો એણે અજબ દ્રશ્ય દેખ્યું. પોતાના સ્વજનની ખાંભી ઉપર એક અજાણ્યા પરદેશીને – ચહેરામહોરા પરથી પરખાતા એક ફ્રાન્સવાસીને – ભાળી આ યુવતી આશ્ચર્ય પામી. એને આવેલી દેખતાં જ યુવાન પ્રાર્થના કરવી છોડી દઈ ચૂપચાપ ત્યાંથી ચાલી નીકળ્યો.

કુમારી જ્યારે ફૂલો ચડાવીને પાછી ફરતી હતી ત્યારે ઘોરખોદુએ એને સાદ પાડ્યો. છાની વાત કહેતો હોય તેવે અવાજે એણે કહ્યું: “દીઠો એને? એણે મને તારા વૉલ્ટરની ખાંભી દેખાડવાના દસ રૂપિયા દીધાઃ ખબર છે? નવી નવાઈનો ફ્રેંચમેન ! એક ફ્રેંચમેને ઊઠીને મને એક જર્મન બચ્ચાની ખાંભી બતાવવાના દસ રૂપિયા દીધા ! જો, આ રહ્યા. ઈ મને એણે દીધા. તારા વરની ખાંભી દેખાડવાના.”

[3]

ખાંભી પાસેથી ચાલી નીકળેલો એ જુવાન શહેરમાં દાખલ થયો. અને પોતાની મુખમુદ્રા કોઈની નજરે ન ચડે તેટલી ત્વરાથી ગલીઓ વટાવીને દાક્તરના દ્વાર પર આવી પહોંચ્યો. દર્દીઓ બધાં ચાલ્યા ગયાં હતાં. પણ દાક્તરની ઇસ્પિતાલે કોઈ પણ દર્દી માટે કદાપિ વેળાકળાનો પ્રશ્ન નહોતો. બારણા પર ટકોરા પડતાંની વાર જ એણે જવાબ દીધો: “અંદર આવો.”