પૃષ્ઠ:Pratimao.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
54
પ્રતિમાઓ
 

 “બડી મજામાં ! બડી લહેરમાં ! અમે બેઉ ગુલતાન કરતા હતા ત્યાં ખાઈમાં. હો-હો-હો-હો !” જુવાન જાણે કોઈક બીજા અવાજનું ગળું ગૂંગળાવા મથતો હોય તેમ ખડખડાટ હસી પડ્યો.

"હો-હો-હો-હો! વાહવા! વાહવા! બડી મોજમાં? બડી લહેરમાં? બસ બસ. હો-હો-હો-હો.” ડોસાનો કંઠ ઠેકાઠેક કરી રહ્યો. ડોસી તો આ સંદેશો સાંભળી રડવું જ ન ખાળી શકી. છોકરીનું નીરવ મોં અતિથિની, સામે લળી પડ્યું હતું.

"બડી મજા ! બડી લહેર !” ડોસા કરતાં બેવડો મોટો ઘાંટો કાઢીને આ જુવાન એ સ્પ્રિંગવાળા સોફા ઉપર ઊછળતો હતો. એ ઉછાળા નીચે કશુંક દબાવી છુપાવી રાખવાના એના પ્રયત્નો હતા. આ ત્રણે વિયોગીઓએ પોતાના પ્રિયજનના આટલા જૂના સુખસમાચાર લાવનાર અતિથિને પણ જાણે કે સદેહે પાછો ફરેલો ખુદ વૉલ્ટર જ કલ્પી લીધો.

[4]

શેરીઓનાં ઘરોની ખડકીઓ એક પછી એક ઊઘડે છે, ને નાનાંમોટાં તમામ બહાર આવીને કૌતુકનેત્રે નિહાળી રહે છે.

'અલી ઓ ! આ પેલાં નીકળ્યાં !' એમ એક જોનારી પડખેની પડોશણને ટહુકો કરે છે.

‘ઓ કાકા! જોવું હોય તો.' એક પડોશી અન્યને સાદ પાડે છે.

ચાંપ દાબતાં દીવા પ્રગટ થાય તેમ આ સંદેશા ચાલતાં પોળના માળાની ઊંચા-નીચી બારી પછી બારી ઊઘડી પડે છે. સેંકડો ચહેરા શેરીના માર્ગ પર ડોકિયાં કરે છે, અનેક આંખોનાં ભવાં ચડે છે, કૈં કૈં મોઢાં મચકોડાય છે. મશ્કરી અને તિરસ્કારની મેળવણીવાળા સિસોટી-સ્વરોની આપ-લે થઈ રહી છે.

ગામલોકોની ચેષ્ટાનાં બે પાત્રો શેરીઓમાં થઈને ચાલ્યા જતાં હતાં. મહોલ્લે મહોલ્લાની એકેએક બારીને, રવેશને, અટારીને સજીવન કરનાર એ બે જણામાં એક હતી દાક્તરના મૃત પુત્રની એ જુવાન વિવાહિત પ્રિયા,