પૃષ્ઠ:Pratimao.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુત્રનો ખૂની
55
 

ને બીજો હતો એના ઘરનો ફ્રેન્ચ પરોણો. હાથમાં હાથ પરોવી, પથ્થરની પગથી ઉપર એકતાલ પગલાં પાડતી એ જોડલી લોકોનાં ચાળાચેષ્ટની ઝડીઓમાં લહેરથી ભીંજાતી ચાલતી હતી.

પોતાની ગ્રામકન્યાને શત્રુ-દેશના એક યુવાન સાથે ફરતી જોઈ ઘરઘરનાં લોકોની આંખમાં આગ ઊઠતી હતી. રોજ ઊઠીને એ ભ્રષ્ટ દૃશ્ય લોકોને જોવું પડતું. છોકરાં હૂડિયો હૂડિયો કરતાં, બૈરાં દાંત કચકચાવતાં, ને બુઢ્ઢાઓ ચોરેચૌટે અને આરામખાનામાં બેસી આ અત્યાચાર સામે ઉગ્ર મત કેળવતા હતા. બન્ને જણાં કંઈ ખરીદી કરવાને સારુ જો કોઈ દુકાનમાં જઈ ઊભાં રહેતાં ને અમુક કાપડબાપડનો ભાવ પૂછતાં તો દુકાનદાર જાણીબૂઝીને બે નમૂના રજૂ કરતો, પછી બોલતોઃ “આ કરતાં આ સુંદર છે. સસ્તું ય છે – પણપણ એ તો દુશ્મનોના દેશ ફ્રાન્સનું બનેલું છે, બાઈ!”

એક દિવસ એ લોકલાગણીએ બેહદ જોર પકડી લીધું. બુઢ્ઢા દાક્તરની પ્રેક્ટિસ નબળી પડી ગઈ. એની ડોસી કે પુત્રવધૂ ચીજવસ્તુ ખરીદવા જતાં ત્યારે દુકાનદાર એની સામે પીઠ દેતા થયા; ને હરરોજના નિયમ મુજબ જ્યારે દાક્તરે એ સંધ્યાએ પોતાના વર્ષોજૂના લંગોટિયા દોસ્તોની મંડળીમાં બેસવા સારુ ક્લબમાં પ્રવેશ કરી દોસ્તોને અવાજ દીધો કે 'સાહેબ મહેરબાનો મુરબ્બીઓ ! જય જય !' ત્યારે આખી મિત્રમંડળીમાંથી એક પણ મોં એની સલામ ઝીલવા તૈયાર થયું નહીં.

પોતાના કયા દેશદ્રોહ બદલ પોતાના બહિષ્કારની આ મસલત ચાલી રહી છે, એની કશી જ ગમ વગરનો એ બુઢ્ઢો સામો ધ્વનિ ન ઊઠ્યાની કે સલામ ન ઝિલાયાની ખાસ પરવા ન કરતાં સર્વની જોડે ખુરશી પર બેસી ગયો. એના હૃદયમાં મૂએલો બેટો પાછો મળ્યા જેવો મહોત્સવ જાગ્યો હતો. પુત્રની પછવાડે ઝૂરી ઝૂરી દેહને જલાવી રહેલી એ જુવાન પુત્રવધૂનું અંતર આ ફ્રેન્ચ પરોણાની ઉપર ઢળ્યું છે એ દેખી ડોસો સુખની છોળોમાં નહાઈ રહ્યો હતો. એના સૂનકાર ઘરમાં સઘળું ભર્યું ભર્યું બની ગયું હતું. દુશ્મન દેશ પ્રત્યેના એના દાંતના કચકચાટ અટકી ગયાથી હૈયું ફૂલ જેવું હળવું હતું. આવા સ્વર્ગીય આનંદની માનસિક લહેરમાં ચકચૂર બનેલ એ