પૃષ્ઠ:Pratimao.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
58
પ્રતિમાઓ
 

દાક્તરનો ઊભરો શમતો નહોતો. એણે ચલાવ્યું: “આંહીં આપણા બેટાનો, ને ત્યાં તેઓના પુત્રોનો તમામનો હત્યાકાંડ કરનાર આપણે ઘેર બેઠા બુઢ્ઢાઓ જ છીએ. ને એક બનાવટી વૈરનું વિષ આપણે પ્રજાના મોંમાં પિવડાવી રહ્યા છીએ. મારી તો આંખ ઊઘડી ગઈ છે, ભાઈઓ ! મારા પુત્રની ખાંભી પર ફૂલો ચડાવવા આવનાર અને મારા વૉલ્ટરના આખરી ખુશખબર લાવનાર એ જુવાન પરદેશીને હું ખૂની શા સારુ કહું? મારો પ્રાણ તો આજથી જગતના નવજવાનોની સાથે પ્રયાણે ચડે છે. એ કોઈ કોઈના શત્રુઓ નથી. એ તમામ વિશ્વબાંધવો છે. મારો આત્મા દેશ-દેશ વચ્ચેના સીમાડા લોપીને સારી દુનિયાના જુવાનોને ચૂમવા, ભેટવા ચાલ્યો છે. લ્યો મહેરબાનો, સાહેબજી!”

શરબતનો કટોરો અણસ્પર્શ્યો જ છોડી દઈને જ્યારે આ સ્વયંબહિષ્કૃત ડોસો ક્લબમાંથી ચાલતો થયો, ત્યારે એ ખંડના એક ખૂણામાંથી એક યુવાન ઊભો થયો. ઊભા થતાં એને મહેનત પડતી હતી. કેમકે એના બેઉ પગ સલામત નહોતા. મહાયુદ્ધની તોપો એના એક પગને ચાવી ગઈ હતી. બગલમાં લાકડાની ઘોડી દબાવીને એણે ખોડંગતા પગની દોટ દીધી. દરવાજા પાસે પહોંચેલા દાક્તરને એણે આંબી લીધા. એણે પોતાના હાથનો પંજો લંબાવ્યો. ડોસાએ એ પંજામાં પોતાનો પંજો મિલાવ્યો. ખૂબ પ્રેમથી દબાવ્યો. યુવાનની આંખો ડોસાના નેત્રનું અમીપાન કરતી ઠરી ગઈ. બન્ને પંજાનાં રુધિરો જાણે ધબકીધબકીને પરસ્પર કહેતાં હતાં કે આપણા તો એક પ્રાણ છે. એ એક યુવાનના પંજા વાટે પ્રજાનું સમગ્ર યૌવન દાક્તરને ધન્યવાદ દેતું હતું. એક પણ શબ્દોચ્ચારથી એ મિલનની મુક પવિત્રતાને કલુષિત કર્યા વગર યુવક પાછો ફર્યો અને ક્લબની બહાર નીકળી જે વેળા એ વૃદ્ધ પગથી ઉપર ઊભો રહ્યો, તે વેળા તેની મીંચાયેલી આંખો સામે પ્યારા પુત્ર વૉલ્ટરની મૃત્યુ-છબી સરતી હતી, ને પુત્રના મૃતદેહ ઉપર છેલ્લી ક્ષણે ઝૂકતો ફ્રેન્ચ જુવાન ખડો થતો હતો. થીજી ગયેલ જળસમૂહ જેવું એનું વૈરભરપૂર હૈયું, શત્રુદેશના એક જ બાળકના પ્રેમકિરણે ઓગળી પડતું હતું.