પૃષ્ઠ:Pratimao.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
60
પ્રતિમાઓ
 

આના ઉપર એ બીથોવનની બધી રાગણીઓ બજાવતા. મને તો ખાસ સંભળાવતા. એ જ્યારે ઇસરાજ બજાવતા ત્યારે હું યે એની સાથે સૂર મિલાવી મારો પિયાનો વગાડતી. તમને આ ઈસરાજ ફાવે કે નહીં?"

ઓરડાની બારીમાંથી આકાશે ચડેલો ચંદ્ર ડોકાતો હતો. આ ભોળી બાળાનો એક એક બોલ અતિથિનું હૃદય ભેદતો હતો. એ પોતાના આત્માને પૂછતો હતો કે 'હું કયાં ઊભો છું? આ ઈસરાજમાં મારા શ્વાસોચ્છવાસથી હજુ ચિરાડ કાં નથી પડતી?'

યુવકને રીઝવવાના એવા પ્રયત્નો કરતી કરતી એ સ્ત્રી ત્યાંથી એને પોતાના ઓરડામાં તેડી ગઈ. ત્યાં જઈને એણે પોતાના ટેબલના ખાનામાંથી જીવનની એક અણમૂલ વસ્તુ કાઢી. “જુઓ, આ એનો છેલ્લો કાગળ. રણક્ષેત્રમાંથી એણે લખેલો. સાંભળો, હું વાંચું.”

જેમ જેમ કાગળ વંચાતો જતો હતો તેમ તેમ મહેમાનની વિહ્વળતા વધતી હતી. કાગળ પૂરો થતાં જ એણે કહ્યું: “હું આજે વિદાય લેવા આવ્યો છું."

"વિદાય !” સ્ત્રી હેબતાઈ ગઈ.

“હા, હું પાછો મારે દેશ ચાલ્યો જાઉં છું.”

"શા માટે? આ શું બોલો છો ? આપણે... આપણે.... આપણે...” યુવતીથી વધુ બોલાયું નહીં.

"મને ક્ષમા આપો. મારાથી અહીં હવે જિવાતું નથી. મારું પાપ મને અંદરથી કોરી રહ્યું છે. હું આવ્યો હતો તમારી પાસે એ પાપનો એકરાર કરી તમારી ક્ષમા મેળવવા, પણ મારી જીભ ઊપડતી નથી. હું કાયરોનો પણ કાયર બની ગયો. મને ક્ષમા કરો.”

બોલતો બોલતો એ યુવતીના પગ પાસે ઘૂંટણભર થઈ ગયો. યુવતીએ એના હાથ ઝાલી લઈને પૂછ્યું: “પણ શું છે? શાનું પાપ?”

“તમારા વરનો ખૂની હું પોતે જ છું.”

“તમે પોતે ?”

“હા, મારી ગોળીથી જ એ પડ્યા. ને આ છેલ્લો કાગળ એની