પૃષ્ઠ:Pratimao.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુત્રનો ખુની
61
 

કલમમાંથી ટપકતો હતો તે જ વખતે મેં એને ઠાર કર્યા. એના હાથમાં કલમ ઝલાવીને મેં છેલ્લી સહી કરાવી. પણ પૂરું નામ લખવાનો સમય મૃત્યુએ ન રહેવા દીધો. છેલ્લો અક્ષર મેં ઉમેર્યો. કાગળ ટપાલમાં નાખનાર પણ હું જ. મારી કાયરતાએ જ આટલા દિવસો સુધી આ ઘરમાં છલ ચલાવ્યું છે. હવે હું વધુ સહી શકું તેમ નથી. મને ક્ષમા આપો. હું જાઉં છું.”

પોતાના ખોળામાં ઢળી પડેલાં એ પાપી મસ્તક ઉપર યુવતી સુંવાળા હાથ ફેરવતી હતી. ત્યાં તો બહાર બુઢ્ઢાાનો સાદ સંભળાયોઃ “કાં છોકરાંઓ! હજુ કેમ તમે આવતાં નથી? હું તો બહુ વારથી વાટ જોઈ બેઠો છું. મને એકલાં ગમતું નથી.”

બેઉ જણાં બહાર આવ્યાં. યુવતીએ કહ્યું: “બાપુજી, આ તો આજે ૨જા લેવા આવ્યા છે.”

"રજા ! શાની રજા ?"

"એને તો પાછા પોતાને દેશ જવું છે.”

“વાહવા આવી મશ્કરી !” ડોસો હસી પડ્યો. “એમ કંઈ દેશ નાસી જવાશે તારાથી, બેટા ? તું જાય તો અમારું કોણ ?” વૃદ્ધની ધોળી પાંપણો ભીની બનતી હતી.

“દાક્તર સાહેબ ! મને – યુવક એટલું બોલવા જાય છે ત્યાં તો એને ચૂપ કરવા માટે સ્ત્રીએ પોતાના નાક પર આંગળી મૂકી. પોતે જ વચ્ચે બોલી ઊઠીઃ “બાપુજી, એમને શહેરમાં બધાં પજવે છે ખરાં ને, એટલે એ ત્રાસીને નાસવા માગે છે.”

"હો-હો-હો-હો !" ડોસા ખડખડ હસ્યા. એ બધા પજવનારાઓને તો મેં બરાબર પાધરા કરી દીધા છે. બેસ બેસ, અમને બુઢ્ઢાંને અને આ ગરીબ છોકરીને રઝળાવી હવે તું કયાં જવાનો હતો, ભાઈ?”

બુઢ્ઢાએ યુવકને ખભા દબાવીને બેઠક પર બેસાર્યો. સ્થિર સજળ નેત્રે વૃદ્ધ એની સામે તાકી રહ્યા. એ નજરમાં મીઠી, હલાવી નાખનારી, યાચના દ્રવતી હતી.

"હું આવ્યો, હાં કે?” કહેતો ડોસો ડગમગ પગલે ત્યાંથી ચાલ્યો.