પૃષ્ઠ:Pratimao.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
70
પ્રતિમાઓ
 

મારી બૅન્ક તરફથી જાઉં છું. હું શું કરું, કિરણ ! તારા વિના હું ત્યાં કેટલો ઝૂરીશ ! પણ તને કેમ કરી સાથે લઈ જાઉં? મારી આબરૂ –”

આશકની એ આબરૂની રક્ષા કરવા સારુ પોતાના એકાન્ત ગૃહમાં પુરાઈને કિરણ પડી રહી. એની બીડેલી આંખે એ વિશાળ મહાસાગરનાં લહેરિયા ઉપર લીસો એક ચીરો પાડતી ચાલી જતી આગબોટની પછવાડે પછવાડે દોડતી હતી. આગબોટના તળિયાની લીલી શેવાળ થઈને ચોંટી જવા તલસતું એનું મન આખરે થાકીને નિદ્રામાં પડતું..

મહિના વીત્યા. યુરોપના પ્રવાસમાંથી રોજ ટપાલની વાટ જોતી કિરણને એક દિવસ એક સામટાં ત્રણ પત્તાં મળ્યાં. ત્રણેયની પાછલી બાજુ ઉપર કોઈ ઈમારતોનાં છાપેલાં ચિત્રો હતાં. ફક્ત સરનામાની બાજુએ. જ અરધા ભાગમાં ત્રણ-ત્રણ લીટીઓ લખાઈ આવેલી ને એ ત્રણ-ત્રણ લીટીનાં ત્રણેય લખાણોની હકીકત ફક્ત આટલી જ હતી:

અહીં અતિ ભવ્ય દૃશ્યો દેખી દેખી તને યાદ કરું છું. આ પ્રદેશ તો અપરૂપ સુંદર છે, વહાલી કિરણ!

- લિ. તારો.
 

ટેલિફોનની ઘંટડી હમણાં વાગશે, એવી આશાના તો અનેક કલાકો, પ્રહરો ને દિવસો વીતી ગયા, તે દરમિયાન કિરણને પોતાના ઓરડાના ઊંબરથી બહાર ખેંચી જનાર ફક્ત એક જ બનાવ બન્યો. બાજુના જ એક ઘરની અંદર આગ લાગ્યાની ચીસો ઊઠી. ઘરની એકાંતમાં એ ઓચિંતી લાગેલી આગે ઘરની એકલવાઈ જુવાન સ્ત્રીને આંચમાં લઈ લીધી. ત્યાં દોડી. જઈને એ અસહાય સ્ત્રીનો બચાવ કરનાર કિરણે એને ઘણું ઘણું સમજાવી કે “બહેન, તારા પતિને હું તેડાવું? એનો ફોન નંબર શો છે? એ ક્યાં છે?”

જવાબમાં એ પીડાતી બાઈએ માથું હલાવી ના જ પાડ્યા કરી :નથી બોલાવવો એને.

એની સારવારમાં દિવસ-રાત રોકાઈને એને સાજી કર્યા પછી એક દિવસ પોતાના ઘરમાં એને બોલાવી કિરણે મીઠાશથી પૂછ્યું કે “બેન, તારા વરને બોલાવવાની તેં કેમ ના પાડી હતી?”