પૃષ્ઠ:Pratimao.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
72
પ્રતિમાઓ
 

તમે શહેરમાં છો, છતાં મને ખબર સુધ્ધાં ન પડે?”

“હું તને શું સમજાવું, વહાલી કિરણ ! મારે કેટલી બધી કામગીરી હોય છે ! મને વખત જ ક્યાં મળે છે? કેટલી મહેનતે હું માંડમાંડ તારી કને આવી શકું છું. કેટલાની આંખોને ચુકાવવી પડે છે!”

હશે; સાચું હશે. કિરણે એ કામગીરીની વિટંબણાઓ સાચી માની લીધી. “પરંતુ,” એણે કહ્યું: “આમ ક્યાં સુધી? ક્યાં સુધી આ ગુપ્ત એકલતાને મારે ભોગવ્યા કરવી? આ ચોરની દશાની, આ ટળવળાટનો કોઈ અંત જ નથી શું? આ દરિયાને ક્યાંયે આરો નહીં મળે? ઓ વહાલા ! મારે દા'ડા કાઢવાનું એક છેલ્લું સાધન-એક પેટનું જાણ્યું –એક જ જો હોય ને?” રખાતના પ્રાણમાંથી માતૃત્વ બોલ્યું.

સાંભળતાંની વાર જ પુરુષ સ્તબ્ધ બન્યો. એની મુખરેખાઓ ઉનાળે ધગતી જળશૂન્ય નદીઓ જેવી બની ગઈ. એના મોંમાંથી શબ્દો છૂટી પડ્યાઃ “આ તું શું કહે છે? મારી આબરૂનો કંઈ વિચાર કરે છે? તું કંઈ મારી પરણેલી સ્ત્રી છે, તે આવું ઘેલું કાઢી રહી છે?”

“તું કંઈ મારી પરણેલી સ્ત્રી છે!" એ શબ્દોએ કિરણને સમાધિસ્થા બનાવી. કેટલીક લાગણીઓ આંસુની પાળોથી ઘણે ઊંચે રહે છે. કેટલાક જખમો લોહી વહેવરાવતા નથી પણ લોહીને થિજાવી મરેલું બનાવી દે છે. કિરણ નિરુત્તર રહી.

"કિરણ, મને માફ કર.” પુરુષ ખસિયાણો પડ્યો: “મારાથી અઘટિત વચન બોલી જવાયું. પણ હું શું કરું? મારી આબરૂ –”

ફરી પાછી કિરણ એની ગોદમાં સમાઈ. પણ એનો ઘા ઊંડો ગયો હતો. મારી આબરૂ ! મારી આબરૂ ! મારી આબરૂ ! એ શબ્દો એની છાતી પર અંગાર-શા ચંપાતા હતા.

*

એક દિવસ બપોરવેળાએ બારણું ઊઘડ્યું અને કિરણના ધગધગતા જીવન પર વાયરાનો એક હિલોળો વાયો. એ હતો એના પિયર ગામનો પેલો બાઈસિકલિયો પાડોશી. હસતો હસતો અને ચશ્માંની અંદર આર્દ્ર