પૃષ્ઠ:Pratimao.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
76
પ્રતિમાઓ
 

પાસે થંભી ગયો, પણ પછી એણે બારણું બંધ કર્યું. કહ્યું, “બેટા, બેસ. મારે તને વાત કહેવી છે.”

પીઠ દઈને પુત્ર ઊભો હતો. પોતાના બાપનો અને આ વેશ્યાનો મેળાપ નીરખવામાં એને અધર્મ લાગ્યો.

“ના, તું પણ હાજર રહે.” કહીને એણે ત્યાંથી ચાલી જતી કિરણને રોકી. ફરીને કહ્યું, “પુત્ર, નીચે બેસ.”

ધૃણાથી દગ્ધ બની જતો જુવાન પુત્ર ખુરશીમાં યંત્રવત્ પટકાયો.

"જો બેટા!” બાપે સ્વસ્થ સ્વરે સંભળાવ્યું: “તારી માતા સાથેનાં મારાં લગ્ન અગાઉ બે મહિના પર અમારો બેઉનો મેળાપ થયેલો. એક અકસ્માતને કારણે અમારાં લગ્ન ન થઈ શક્યાં. પરંતુ આજે પૂરાં પચીસ વર્ષોથી એ મારા જીવનમાં પુરાઈ રહી છે. મને એણે શું શું સમર્પેલ છે, મારી પાછળ એણે શું શું ગુમાવ્યું છે, તે એક હું જાણું છું, ને બીજો ઈશ્વર જાણે છે. ને હવે આજ આ બુઢાપાના દ્વાર ઉપર ઊભેલો હું એને મારા જીવનમાંથી રજા નહીં આપી શકું. માટે, ભાઈ, તને હું એટલું જ કહું છું કે તું તારું કામ સંભાળ.”

“નહીં તો – ?” પુત્ર તાડૂકયો.

“નહીં તો તારે જ મારા જીવનમાંથી અળગા થઈ જવું રહેશે.”

“તમે બન્ને – તમે બન્ને ઘૃણિત, નીચ, ઘોર પાતકી છો.” દાંત ભીંસીને પુત્રે સંભળાવ્યું.

“બસ, હવે ચાલ્યો જા, ભાઈ !” પિતાએ શાંતિથી પુત્રને વિદાય દીધી, અને પુત્રના સાંભળતા જ કિરણને સંબોધીને કહ્યું: “કાલે સવારે, ચા-નાસ્તો આપણે સાથે જ લેવાનો છે. કાલે સવારે – છડેચોક આપણે તારે ઘેર ભેગાં બેસી જમશું, ને જગત સમક્ષ આપણો સંબંધ પ્રગટ કરશું. કાલે સવારે, હોં કે !”

[8]

બીજા દિવસની સવારે કિરણ પોતાને હાથે જ મેજ ઉપર ચા-નારતાનો અન્નકૂટ સજતી હતી. રકાબીઓ ગોઠવતી ગોઠવતી ગીત ગણગણતી હતી.