પૃષ્ઠ:Pratimao.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાછલી ગલી
79
 

તણખલું પણ હવે જગ્યા રોકતું નહોતું.

"મારા પિતાના તે દિવસના બોલવા પરથી મને લાગેલું કે તમારા સારુ એ કંઈક કાયમી ગોઠવણ કરવા માગે છે. વિલ તો એમણે કર્યું છે, પણ વિલ'માં તમારા વિશે નથી લખ્યું એ સ્વાભાવિક છે. હું તમને પૂછું છું કે તમને મારા પિતા તરફથી શું મળતું?”

“બસો.” નિશ્ચલ ઉત્તર.

“અઠવાડિક?" પુત્રે પૂchયું. એ દેશમાં અઠવાડિયે મુસારો ચૂકવવાનો નિયમ છે.

કિરણે નકારમાં ડોકું હલાવ્યું. ધીરેથી ઉમેર્યું: “મહિને"

એ એક જ શબ્દે પિતાની આ 'ધૃણિત નીચ ભ્રષ્ટા' રખાતનું શ્વેત હૈયું ખુલ્લું કરી બતાવ્યું.

પુત્ર પોતાના ધનકુબેર બાપની પ્રિયાના ઘરમાં ચોમેર દૃષ્ટિ ફેરવીને નિહાળી રહ્યો. માસિક બસો રૂપિયાની નાચીજ જિવાઈ લઈને આ સુંદરી પચીસ વર્ષોથી એક જ પુરુષને ખાતર જીવન ઘસડે છે !

પુત્રે ચેકબુક કાઢી. એક ચેક ફાડીને કિરણના ખોળામાં મૂકતાં એ બોલ્યોઃ “આ પહેલા માસનું ખર્ચ. દર માસની પહેલી તારીખે અચૂક તમને એ રકમ મોકલાતી રહેશે. તે ઉપરાંત જ્યારે તમને કંઈ પણ જરૂર પડે ત્યારે આ સરનામે લખશો અથવા આવશો. અચકાશો નહીં.” પોતાના સરનામાનું કાર્ડ મૂકી એ જુવાન લગભગ દોટ કાઢવા જેટલી ગતિએ ત્યાંથી પસાર થઈ ગયો.

કિરણની નિશ્ચલતાને તો ખોળામાં પડેલો ચેક પણ ન ડગાવી શકયો. એના હાથ પ્રાર્થનાની સ્થિતિમાં જ જોડાયેલા હતા. એણે માત્ર છબી સામે નજર ઠેરવી. એ શું બોલી? એ બોલી: “ઓહ વહાલા ! કેવો માયાળુ દીકરો ! આ દીકરો મારો જ હોત – મારે જ પેટે અવતર્યો હોત, જો તે દા'ડે બાગમાં હું જરીક વહેલી પહોંચી ગઈ હોત તો, નહીં?"

એની આંખો સામે પચીસ વર્ષો પહેલાં થયું હોત તોનું દ્રશ્ય રમી રહ્યું. જાણે પોતે બાગમાં વેળાસર પહોંચી ગઈ છે : પુત્રે જાણે વૃદ્ધ માને