પૃષ્ઠ:Pratimao.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.આત્માનો અસુર

રોમે રોમે ઉલ્લાસ રેડે એવું તેજોમય પ્રભાત હતું. અને ત્રીસ-બત્રીસ વર્ષના એક જુવાનની આંગળીઓ વાજિંત્રના પાસા ઉપર રમતી હતી. સામે સ્વરલિપિની ઉઘાડી પોથીમાંથી કોઈક પ્યારનું ગાન ઉકેલતી એની આંખો પણ જાણે ચેતનના ધ્વનિ કાઢતી હતી, એનો આખો દેહ થનગનતો હતો. એ સુશોભિત મકાનમાં આ યુવક ઉપરાંત એક જૂનો ચાકર હતો. બુઢ્ઢા ચાકરે આ યુવાનના પારણાની દોરી તાણી હતી અને એનાં મળમૂત્ર ઝીલ્યાં હતાં. આજ એ યુવાનની ગણના દેશના મહાપુરુષોમાં થતી હતી, છતાં માબાપ વિનાના, ભાંડુ વિનાના અને શૂન્ય અવિવાહિત એ મહાન જીવનની નિર્જનતાને ભરેલી રાખનાર આ બુઢ્ઢો ચાકર એના આરામનું સ્થાન બની ગયો હતો.

બુઢ્ઢો નોકર જ્યારે જ્યારે માલિકના આ સંગીતને સાંભળતો, ત્યારે ત્યારે આવીને બારણામાં ઊભો થઈ રહેતો અને બબડતોઃ “ઘરની ધણિયાણી વિના આ રાગરાગણી શેનાં શોભે? હવે તો ઘર ખાવા ધાય છે."

“આવશે, એ પણ આવશે, ભાઈ!” કહીને યુવાન હસતો. વૃદ્ધ ચાકરની આંખો ભીંજાતી. સંગીત વધારે દર્દમય બનતું :

ઘડિયાળમાં ટકોરા થયા, બુઢ્ઢાએ આવીને માતાના ભાવથી યુવાનને કપડાં પહેરાવ્યાં, ઉપર કાળો ઝભ્ભો ચડાવ્યો, અને ઘરને આંગણે ઊભેલી ઘોડાગાડીના બારણા સુધી જઈને માલિકને બેસાડી આવ્યો.

“કેમ છો, ચાચા?" પોતાના પિતાની વારીના એ ગાડીવાનને આ યુવાને મીઠાશથી ખબર પૂછ્યા. “તમારી દુવાથી લીલાલહેર છે, બાપા!”

[81]