પૃષ્ઠ:Pratimao.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આત્માનો અસુર
83
 

જાણે કોઈ અનંતતાને પોતે માપી રહ્યો હોય એવી છટાથી જમણા હાથને ઝુલાવી, અને ડાબા હાથનો પંજો હૃદય પર રાખી એણે આગળ ચલાવ્યું.

"જગત સમસ્તના કલ્યાણને ખાતર, જ્ઞાન અને નવશોધનની અગમ અંધારી ઊંડી કંદરાઓમાં ઊતરી પડવું એ આપણી, વિજ્ઞાનનાં બાળકોની ફરજ છે. આપણે 'શોધક' એવું મહાન બિરદ ધારણ કર્યું છે. શોધકની વાટમાં પડેલાં ભયાનક જોખમો આપણને થરથરાવી કેમ શકે? તો તો આપણી વિદ્યા લજવાય.”

એના ચહેરા પર નવીન દીપ્તિ ઝળકી ઊઠી ને એનો પ્રત્યેક બોલ જાણે ગુપ્ત અંધારી ગુફામાંથી ગાજ્યો.

"પ્રત્યેક માનવીના ભીતરમાં બે પ્રાણ રહે છે એક સુંદર પ્રાણ ને બીજો કુત્સિત પ્રાણઃ આ બંને વચ્ચે અહોરાત ભયંકર યુદ્ધ ચાલી રહેલ છે. બેઉ પરસ્પરના કટ્ટર શત્રુઓ છે. હવે જો આપણે – આપણે જગતકલ્યાણના બિરદધારીઓ – કોઈક ઈલ્મ શોધીને આ બેઉ શક્તિઓને તદ્દન અલગ પાડી નાખીએ, તો પછી બેમાંનો જે સુંદર છે તે પ્રાણ કેટલી બધી પ્રગતિ કરી શકે ! એની મુક્ત દશામાં એ કેવો બલવંત બની વિચરે ! એ વિશ્વકલ્યાણના કેટલા સીમાડા સર કરી કાઢે ! જગતમાંથી બુરાઈ માત્રનો સમૂળો જ ઉચ્છેદ થઈ જાય ને?"

અને પછી એના જમણા પંજાએ આત્મશ્રદ્ધાની ચૂડના જાણે કોઈ ઝેરી જંતુને ચગદી નાખવું હોય તેવી મુઠી ભીડીને જાહેર કર્યું:

"અને હવે એ સુંદર માનવપ્રાણને કુત્સિત પ્રાણના પાશમાંથી મુક્ત કરાવવાનો દિવસ દૂર નથી. મારે પોતાને જ ઘેર, મારી પ્રયોગશાળામાં હું એક એવું રસાયન તૈયાર કરી રહેલ છું, કે જેના પ્રભાવથી પેલા અસુરમાનવતત્ત્વને શરીરમાંથી ચીસો પાડતાં નીકળી જવું પડશે અને પછી માનવજીવનના બંધનમુક્ત દૈવી અંશ પુણ્યની પાંખો પસારતો દુનિયા પર શાસન ચલાવશે.”

વ્યાખ્યાનગૃહ વિસર્જન થયું ત્યારે એ યુવાન પ્રોફેસરની વાણીથી મંત્રમુગ્ધ બનેલા સમુદાયમાં ફરી વાર પાછો મધપૂડાનો ગણગણાટ શરૂ