પૃષ્ઠ:Pratimao.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
84
પ્રતિમાઓ
 

થયો. એ જાહેર થયેલી નવી શોધના સમાચાર પર ભાતભાતની વાતો ચાલી રહી. અસંભવ, ભય, આશા અને લાભહાનિની અનેક આગાહીઓ તેમ જ એક વૃદ્ધ વિજ્ઞાની-મિત્રની ચેતવણીના પ્રત્યુત્તરમાં યુવાન ઇલ્મીનું મોં એક જ બોલ કહી રહ્યું હતું: “ધીરા રહો, હું બતાવી આપીશ. હું બતાવી આપીશ.”

“ના, ના, ના,” મિત્રે માથું ધુણાવીને કહ્યું: “ઓ દાક્તર ! ઓ ભાઈ ! એ રહેવા દો ! જીવન-તત્ત્વની છેડ કરવી રહેવા દો! એ માર્ગ ભયાનક છે.”

જવાબમાં આત્મશ્રદ્ધાનાં મૂક ડગલાં ભરતો યુવાન ઈલ્મી છૂટો પડ્યો.

[2]

નવા પ્રયોગની ઘોષણાને લીધે અજાયબીમાં ગરક થયેલી પ્રજા જ્યારે આતુર મનથી આ જુવાનની છેલ્લી સિદ્ધિની રાહ જોતી હતી, ત્યારે બીજાં પણ બે જણ હતાં કે જેમની રાહ જોવાની લાગણી સહુથી અલાયદા પ્રકારની હતી. એ હતાં એક જુવાન દીકરી અને એનો બુઢ્ઢો પિતા. જમાઈની નવી શોધ કાને પડતાં એ વૃદ્ધની છાતીની આરપાર એક ઊની ફળ ચાલી ગઈ હતી. દેશના સર્વોપરી વિદ્યાલયનો સમર્થમાં સમર્થ આ પ્રોફેસર એ દીકરીના બાપને આત્મહત્યાને માર્ગે આંધળી દોટ દેતો લાગ્યો.

“હજુ વાર છે.” એણે લગ્નની યાચના કરતા યુવાનને ઠંડો જવાબ દીધો.

"હજુ વાર છે? હજુ કેટલી વાર છે?” જમાઈએ દુખિત અવાજ કાઢ્યો: “આજ સાત વર્ષોથી તમે મને એક જ જવાબ આપી રહ્યા છો. મારું ઘર, મારું જીવન આ અંત વગરની એકલતામાં ઊભું ઊભું હાહાકાર કરે છે. તમને અમારી દયા કેમ નથી આવતી !"

પિતાની પુત્રી આઘે ઊભી ઊભી આ ઊભરો જોતી હતી; ને પિતા એના નિષ્ઠુર સ્વરે કહેતો હતો: “તમારા આ બધા ઉધામાનું છેવટ આવી જવા દો.”

“ઉધામા? જગત જેને 'શોધ' કહે છે તેને તમે –"

"હા, કેમકે એમાં મારી પુત્રીનું સત્યાનાશ પોકારે છે. પાગલ જુવાન !