પૃષ્ઠ:Pratimao.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આત્માનો અસુર
85
 

હજુ વાર છે. તમારું શું થવા બેઠું છે તે હું જાણું છું.”

“શું જાણો છો આપ?"

"આ નવા રસાયનનો પ્રથમ પ્રયોગ તમે કોના ઉપર કરવા માગો છો? કોઈ પરાયા મનુષ્ય ઉપર?”

"સાચો શોધક પોતાના ઈલ્મ પર પહેલું બલિદાન પોતાનું આપે છે.”

"હં-હં, માટે જ મારે એ બલિદાનમાં મારી દીકરીના જીવતરને નથી હોમી દેવું.”

આ રીતે સાત વર્ષોથી વિવાહની ગાંઠમાં જોડાયેલો એ યુવાન પોતાની પ્રિયતમાના આગમનને માટે જીવનમાં નિરંતર તૈયારી કરતો, રાહ જોતો, ઝૂરતો, પરંતુ બીજી બાજુ માનવજીવનની અંદર રિબાઈ રહેલ દૈવી સંપત્તિના બંધમોચનનાં સ્વપ્નો સેવતો પોતાના અંતઃકરણમાં કશા ય પાપને ન પેસવા દેવા મથે છે. દિવસરાત દારુણ આંતર્યુદ્ધ ખેડે છે, એકલતા એને ખાઈ જાય છે. વિદ્યાની આરાધના અને વાસનાનું વધતું જતું ખેંચાણ, એ બે વચ્ચે પોતે પિસાય છે.

પ્રયોગના પરિપાકની રાત નજીક ને નજીક આવી રહી હતી તે દિવસોમાં એક નાનો-શો પ્રસંગ બની ગયો. વિદ્યાલયથી પાછા વળતાં એણે એક પછડાટ અને એક પોકાર સાંભળ્યાં. દાક્તર તરીકે સ્વધર્મ બજાવવા. એ ધસી ગયો. એક જુવાન સુંદરીના શરીરને લાગેલો એ પછડાટ હતો. પડેલી સ્ત્રીને પોતાના હાથમાં ઉઠાવી એણે ઘરમાં લીધી પગના ગોઠણ પર થયેલી કચર ઉપર એણે મલમપાટો કર્યો. પણ દર્દીને છોડીને એ બહાર નીકળી જાય તે પહેલાં એણે બે ચેષ્ટાઓ દીઠીઃ દર્દી સુંદરીના મોંનો પિગાળી નાખતો મલકાટ, અને લચકતી માંસલ પડીને સ્પર્શ કરી દિલના જૂના રાફડાની લાલસા જગાડતો એ સુંદરીનો ગૌર ગૌર, ઝૂલતો પગ. નગ્ન પગને એ નર્તકી લોડાવતી જ રહી.

[3]

ફેંસલાની રાત આવી પહોંચી છે. અંદરથી પૂરતો જાપ્તો કરી લઈને જુવાન ઈલ્મી પોતાના પ્રયોગાલયમાં એકલો બેસી ગયો છે. રસાયનોની