પૃષ્ઠ:Pratimao.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
86
પ્રતિમાઓ
 

ઊકળતી કડાઈઓ વીજળીના ચૂલાઓ ઉપર ચીસો નાખે છે. વિદ્યુત્પ્રવાહોની કોઈ ભૂતાવળ ખૂણેખૂણે તીણા આર્તસ્વરો કાઢે છે. એકલો માનવી બીને ફાટી પડે એવી એ અઘોર રસાયન સૃષ્ટિ છે. આખો એ વિશાળ ખંડ કોઈ જીવતા માનવીના છૂપા ભોગ દેનાર મંત્રસાધક કાપાલિકના સ્મશાનઘરની યાદ આપે છે. એ પ્રેતસૃષ્ટિની વચ્ચે કોણી સુધી પહેરણની બાંયો ચડાવી, અસ્તવ્યસ્ત વાળની લટોએ કરી વધુ શોભતો, ગંભીર મુખડે, ઘડી કાપાલિક લાગતો તો ઘડી પછી સ્વયં બલિ સમો શોભતો એ સૌમ્ય સુંદર પુરુષ બેઠો છે. બેઠો બેઠો બે પ્યાલીઓમાં અક્કેક ઔષધિનું ટીપું ટીપું મિલાવી રહેલ છે. અક્કેક ટીપું પડતાં જાણે કોઈ પ્રેત-ડાકણ દગ્ધ થતાં હોય તેવી ધૂમશિખાઓ ગોટેગોટે પ્યાલીઓમાંથી ઊંચે ચડે છે. કોઈ પિશાચના આકારો ધરતા એ ધુમાડાની આરપાર આ યુવાન વિજ્ઞાનીનું મોં નજરે પડે છે. ચોમેર ખાઉં ખાઉં'ના અવાજો ઊઠે છે.

આ આખરે છેલ્લી ઔષધિનું ટીપું પડ્યું. અને એણે પ્રગટાવેલા ધૂમ્રગોટે એ યુવાનને વિજય-પરાજયના ફેંસલાની અંતિમ ઘડી ઉપર આણી મૂક્યો. પ્યાલી ઊંચી કરીને એણે મિશ્રણનો રંગ પારખ્યો. પ્યાલી નીચે મૂકીને એ એક વાર બારણા પર ગયો ને પૂર્ણ જાપ્તાથી બારણું બીડી લીધું. દોટમદોટ પગથિયાં ઊતરતો એ પાછો આવ્યો અને આત્મસમર્પણના ફાટફાટ તોરથી એણે પ્યાલી ઉઠાવી. એક વાર એનું પ્રતાપી, પુણ્યશીલ, પ્રેમનીતરતું મોં એ પ્રયોગાલયની દરેક શીશી ઉપર એક પિતાની વહાલપથી ફરી વળ્યું. પ્યાલીને એણે હોઠ સુધી લીધી, વળી કંઈક સાંભર્યું. ભૂતાવળ જેવા વિદ્યુતપ્રવાહોની કિકિયારી વચ્ચે એણે કાગળ લખ્યો. એ કાગળ પોતાના સાત વર્ષોના તલસાટની આરાધ્ય પ્રિયતમા જોગ હતો:

“વહાલી... મરણની ઘડી સુધી મેં એક તને જ ચાહી છે. જો મારી મૃત્યુ નીપજે તો માનજે કે વિજ્ઞાનને એક પગલું આગળ લઈ જવા સારું હું હોમાયો છું.”

અને પછી એ રસાયનને પોતે એકશ્વાસે ગટગટાવી ગયો. એક ક્ષણમાં તો એના જઠરમાં ઝાળો ઊઠી. કાળી બળતરા એના