પૃષ્ઠ:Pratimao.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આત્માનો અસુર
87
 

અંગેઅંગમાં વ્યાપી ગઈ. એની નસોને જાણે કોઈ જંતરડામાં નાખીને ખેંચવા લાગ્યું. એને રૂંવે રૂંવે આગ લાગી ગઈ. શરીરની અંદર કોઈ દારુણ સંગ્રામ મંડાયો હોય તેવા “ઓહ ! ઓહ ! ઓહ !” અવાજે એનું ગળું ઘૂંટાઈ રહ્યું. અંદરથી જાણે કોઈ અસુર 'જાઉ છું , જાઉં છું: બળું છું રે બળું છું'ની ભેદક ચીસો નાખતો હતો. દેહના પુનિત મંદિરમાંથી એ અસુરને બહાર કાઢવા કોઈક સાંકળોના ફટકા લગાવતું હતું.

આખરે એ અસુર બહાર નીકળતો દેખાયો. યુવાન વિજ્ઞાનીના દેહમાં કોઈ દાહ લાગ્યો હોય તેવો પલટો આવવા લાગ્યો. એના માથાના રેશમી સુંવાળા વાળને સ્થાને ભાલા જેવા ઊભા અને બરડ પશુ-કેશ નીકળી પડ્યા. એના કોમલ હોઠ સુજી જઈને ઊંચા ચડી ગયા. સરખા શ્વેત દાંતોની બત્રીસી અદ્રશ્ય બની, પીળા, લાંબા, વાંકા દાંતના ચોકઠાએ બહાર ધસી આવીને એ મોંને કોઈ માનવભક્ષી વાંદરાની ભીષણતા પહેરાવી દીધી. એના આખા દેહની સુંવાળી ચામડી પલટાઈ જઈને શરીર જાણે પાડાના ચામડામાં મઢાઈ ગયું. ઝીણી લીસી રૂંવાટી મટી ગઈ અને રૂછાં ફૂટી નીકળ્યાં.

પોતાનું વિકૃત સ્વરૂપ એણે આરસીમાં જોયું. અસુર આખો યે જાણે બહાર નીકળી ગયો છે. પરંતુ એ હજુ પોતાના કબજામાં છે કે નહિ ! શમાવ્યો શમી શકે છે કે નહીં? એણે બીજું વારણનું રસાયન અજમાવ્યું. એ બીજી ઔષધિના ઘૂંટડાએ ફરી વાર એના અંગેઅંગમાં આગ જગાડી, વેદનાની આહ ઉચ્ચારતો એ પલટાતો ગયો. પાંજરામાં પૂરતી વેળાનો વાઘ જે પછાડા ને કિકિયારા મચાવે છે તેવી દેહવેદના દાખવતો અસુર સમાઈ ગયો. પાછું એ જ નમણું અને આલોકમય માનવસ્વરૂપ એના દેહ ધારણા કરી લીધું. પ્રભાતે જ્યારે બુઢ્ઢો ચાકર ચા-નાસ્તો પીરસીને પોતાના માલિકની આ ઉન્માદી એકલતા નીરખતો ઉદાસ ચહેરે ઊભો રહ્યો, ત્યારે કેવી ભવ્ય વિજયશ્રી આ યુવાનના મોં ઉપર વિરાજી રહી હતી ! પરંતુ એ વિજયશ્રી જાણે કોઈ દારુણ સંગ્રામના થાકથી લોથપોથ હતી. કેટલો મોંઘો એ વિજય હતો ! છતાં માનવજાતના કલ્યાણ ખાતર સ્વીકારેલું એ પીડન હતું. યુવાન વિજ્ઞાનીના જીવનનો એ મહોત્સવ હતો. ને હવે આ સિદ્ધિ