પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૮૩
 

શાદુળનો જુવાનીભર્યો રોષ જગાડી દીધો. એ ચુપકીદીએ વહેમને મજબૂત કર્યો. એ અંદર ગયો. નજર ફેરવી. છાપરાના ખપેડા સલામત હતા. ચારે ભીંતમાં ક્યાંય ઉંદર પણ પેસી શકે તેવડું બાકોરું નહોતું.

"આ અંતરનો ઓરડો તો હજુ અણતપાસ્યો પડ્યો છે, ભગત !”

રોષે ઊકળતો શાદુળ પોતાની લાચારીભરી દશાથી વધુ દાઝતો હતો.

"શાદુળ ભગત," અમરબાઈએ મીઠાશથી સમજાવ્યું : “બાપા, વીરા, તમારી પથારીએ પોગી જાવ. રાત તો થોડી જ રહી છે. હરિનું નામ લઈને સૂજો હો ભાઈ ! નીકર મનની ભૂતાવળ જંપવા નહીં આપે.”

શાદુળે એક વાક્ય ગોખી રાખ્યું હતું તે કહી નાખ્યું :

"મેં તો તમને મારી દેવી ગણી સ્થાપ્યાં હતાં. હું મારા વિજયોને તમારાં ચરણોમાં ધરતો હતો. મને સ્ત્રીનાં ચરિત્રોની ગમ નહોતી.”

"ભગત, વીરા !” અમરબાઈ એ એને વિદાયનો બોલ સંભળાવ્યો : “સંસારમાં જઈ ને પાછા કોક દાસી બની રહે એવી કાઠિયાણી પરણી લ્યો, કેમ કે તમે ચા'ય તેવા તોય જમીન ધણી છો. તમને ધણીપતું કર્યા વગર જંપ નહીં વળે, ને અહીં ઊલટાની બેય વાતો બગડશે.”


[૧૭]

શાદુળ ભગત ગયા, પણ પોતાની પથારી પર નહીં, સંત દેવીદાસની સૂવાની જગ્યાએ. એ પથારી રોગિયાઓના નિવાસઘરની ઓસરીમાં હતી. આ ઓસરી અમરબાઈના ઓરડાની પછીત તરફ એક ચોગાનમાં પડતી હતી.

"કેમ શાદુળ ભગત, આવ્યા ?” સંતે છેટેથી પૂછ્યું.