પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
પુરાતન જ્યોત
 


“જાગો છો?"

"હા બાપ, માલધારીને ઝાઝી નીંદર ક્યાંથી હોય ? જાગવાની ટેવ જ પડી ગઈ છે. પણ તમે નીંદર કરતા નથી એ ઠીક ન કહેવાય.”

“મારી નીંદર એક વાતે ઉડાડી દીધી છે.”

"એનું નામ તે કાચી નીંદર. કાગાનીંદર, ભગત ! પાકી નીંદર એમ ઊડે નહીં. શી વાત છે, કહો.”

"જગ્યામાં અનર્થ થઈ રહેલ છે.”

“શેનો ?”

"કોઈક માનવી આવતું લાગે છે !”

“ક્યાં ?”

"કહેતાં જીભ કપાય છે.”

"એ તે બધી દુનિયાઈ વાણી, બાપ શાદુળ ! બાકી જીભ તો કુહાડાનાય ઘા ઝીલી શકે છે.”

“અમરબાઈની પાસે કોઈક નક્કી આવતું હોવું જોઈએ.”

“કેમ જાણ્યું?”

"બોલાશ કાનોકાન સાંભળ્યો.”

"આજ અત્યારે ને ?"

“હા.” .

"મેંય સાંભળ્યો.”

શાદુળ રાજી થયા. સંતે કહ્યું :

"કોણ હતું ? ઓળખી લીધું ?"

"ના, ગમે તે હો, પણ બહુ એકાન્તની વાતો થાતી લાગી.”

“શાદુળ, મેં તો એ ભાઈને ઓળખી લીધા છે.”

"કોણ? કોણ? —” શાદુળે અધીરાઈ બતાવી.

"કહું ? ગભરાઈશ નહીં કે ?”

"નહીં ગભરાઉં.”