પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૮૫
 


"ભેંસાણ ગામના ખુમાણ આપા શાદુળ ભગત પોતે જ.”

"હું ?” શાદુળ ભભૂક્યોઃ “હું તો તે પછી ગયેલો, હું તો ચોરને ઝાલવા ગયો'તો.”

"આપણે પારકા ચોર ઝાલવા ન જાત તો જગતમાં પોણા ભાગની ચોરી ઘટી જાત, આપા શાદુળ ! આપણે બધા જ ચોરોને ઝાલીએ છીએ, નથી ઝાલતા ફક્ત આપણા માંયલા ચોરને જ.”

શાદુળને આ ઠપકો ન ગમ્યો. પોતાનો ઘરસંસાર ભાંગીને જગ્યામાં બેસી ગયેલ એક જુવાન બાઈ ઉપર સંત ચોકી કે ચોકસી નથી રાખતા એવી મતલબની ઘણી ઘણી વાતો શાદુળ ભગત બોલી ગયા.

“હું ફરી ફરી કહું છું કે અમરબાઈના હૈયાની અડોઅડ શાદુળભાઈ તું જ હતો. ઓ ગંડુ કાઠી ! તે વખતે પવન મારી પધોરે હતો. મારે કાનેય બોલચાલ પડી હતી. પણ હું તો હંમેશ રાતે, અહીં તારા આવ્યા પછી રોજ રોજ રાતે, એ બોલાશ સાંભળું છું. અમરબાઈ સ્વપ્નામાં લવે છે. એની ગોદમાં કોઈક નાનું બાળ સૂતું હોય એવું એને સપનું દેખાય છે. બાળકને હેત કરતી કરતી એ સાધ્વી બોલતી હોય છે કે, શાદુળ, બેટા, તું બહુ પગ પછાડ મા. બહુ જ બળ બતાવ મા. બળને સંઘરી રાખ, બળને જાળવી રાખ બેટા ! પારકા ઢોલિયા ભાંગીને ભગત બન મા. મારાથી નથી જોવાતું. મને બીક લાગે છે કે તું ક્યાંઈક તારાં જ હાડકાંને ભાંગી બેસીશ.”

શાદુળે પોતાના કાન પર પડેલા સૂરો યાદ કર્યા. એને એ વીતી ગયેલી સ્મૃતિ અસ્પષ્ટ આકાર ધારણ કરતી લાગી.

"બેસ શાદુળ.” સંતે એનો હાથ ખેંચ્યો : “હું તને સમજાવું.”

બાઘા જેવો બનેલો શાદુળ બેઠો. ચોપાસ કંસારીના