પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૮૭
 

નીચું ઢાળ્યું. એણે એક છેલ્લો પ્રયત્ન કર્યોઃ “આ થાનક પવિત્ર રહેવું જોઈએ. જગતનો વિશ્વાસ જાય તો આપણું શું થાય ?”

સાંભળીને સંત સૌ પહેલાં તો પેટ ભરીને હસ્યા. હસતાં એણે શાદુળ ભગતની પીઠ થાબડી. થબડાટે થબડાટે હાસ્ય કરતા કરતા જ સંત બોલતા ગયા : “સાચેસાચ? અરે રંગ શાદુળ ! તેં તો અવધિ કરી બાપ શાદુળ ! અવધિ કરી.”

પછી જરા ગંભીર બનીને ઉમેર્યું : "કોઈક વેપારી પેઢીનો તું ભારે સરસ ગુમાસ્તો બની શકત, હો શાદુળ ! તારાં કમભાગ્યે આ તો ગુરુદત્તનો ધૂણો છે. લખમીની દુકાન નથી. ને ધૂણામાં તો બીજું શું હોય? રાખ. એ રાખના ઢગલા ઉપર બેઠેલ આ દેવલા રબારીને જગતનાં વિશ્વાસ-અવિશ્વાસરૂપી આભરણાની બહુ કોઈ કિંમત નથી, બાપ !”

થોડી વાર રહીને ફરી પાછા એ હસવા પર ચડ્યા. કહ્યું :

“હેં શાદુળ ! સાચેસાચ તું આ થાનકની આબરૂની ચોકી કરવા સારુ ઉજાગરા ખેંચતો'તો? અમરબાઈના ઓરડા ભણી તું એટલા માટે જ ગયો’તો ?”

શાદુળને લાગ્યું કે જાણે પોતાની છાતી હેઠળ છુપાવેલું કોઈ લોહિયાળું ખંજર પકડાઈ ગયું હતું.


[૧૮]

વળતા દિવસે પરબ-વાવડીની જગ્યામાં બે બનાવો બન્યા :

એક તો અમરબાઈ એ રકતપીતિયાંનાં લોહીપરુ ધોવાના કામની દીક્ષા લીધી.

બીજું, ચલાળા ગામથી દાના ભગતનું આવવું થયું.

"સંત દેવીદાસ !” દાના ભગતે હાથ જોડીને જણાવ્યું, હું તમારાં, અમરબાઈનાં કે પતિયાંનાં દર્શને નથી આવ્યો.