પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
પુરાતન જ્યોત
 

'આપા દાનાએ ચમત્કાર કર્યો.'

'અને આપા દાનાએ વચનો પણ બરછી જેવાં કહ્યાં હો !'

'શું કહ્યું?'

'કહ્યું કે શાદુળ, જેને રોમે રોમે રામબાણ વાગ્યાં હોય તેને આવા પછાડા શા માટે ? અને ગરીબ ઘરની દીકરિયું પિયરથી એકાદ આવો ઢોલિયો લાવી હોય તેને તું રોજ ભાંગ્યા કરીશ તો કેટલા નિસાપા લાગશે તને ?'

'સાચું! ભગતને એવા નિસાપા જ નડ્યા લાગે છે.'

બધું સાંભળી લઈને અમરબાઈનો આત્મા ગુંજ્યો ? ખોટા, ખોટા, બધા જ એ તર્કો ખોટા.

શાદુળને એની સત્તાની કામનાએ જ ભુક્કો કર્યો.


[૧૯]

ત્રણ માણસો જગ્યાના ઝાંપા બહાર ઝાડવાંની ઓથે આંટા મારતાં હતાં. સંધ્યાની હૃદયપાંદડીઓ બિડાતી હતી. દિવસ જાણે કે ભમરા જેવો બની સંધ્યાની પાંદડીઓમાં કેદી બનતો હતો. આઘે આઘેથી શબ્દ સંભળાતા હતાઃ 'સત દેવીદાસ !'

જગ્યાની પરસાળ પરથી સામે શબ્દ પુકારાતો હતો : 'અમર દેવીદાસ !'

‘સત દેવીદાસ !' અને 'અમર દેવીદાસ !' એ બે અવાજો જાણે જીવતા જીવ હોય તેમ પરસ્પર હોકારા દેતા હતા. ત્રણે લપાતાં માનવીઓના કાન ચમકી ઊઠ્યા. ત્રણમાંથી પડછંદ એક બુઢ્ઢો પુરુષ હતો તેણે હળવા અવાજે જુવાન પુરુષને કહ્યું: "એ જ અવાજ.”

સ્ત્રી હતી તેણે કહ્યું : “કશો જ ફરક નથી પડ્યો.”

બુઢ્ઢા પુરુષે પોતાનો વનવાસી જીવનને અનુભવ આગળ ધર્યો: “સાદ જેના ન બગડેલા હોય તેનાં શીલ વાંકાચૂકાં ન હોઈ શકે, બેટા મારા !”