પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૯૧
 

 જુવાનના મોંમાં ઉત્તર નહોતો. એ તો પેલા બે શબ્દના હોંકારામાંથી કોઈક નિગૂઢ વાણી સાંભળતો હતો.

બુઢ્ઢા પુરુષે કહ્યું: “બેટા, આ કામ માટે મારા હાથ નહીં ઊપડે એમ લાગે છે. તારે કરવું હોય તો તું જ કર.”

સીમાડાનો અવાજ નજીક આવતો હતો. રાત્રીના મલીરના અંધાર-છેડલા ધરતી પર લપેટાતા હતા. થોડી વારમાં તો અંધારું એટલું બધું ઘાટું બન્યું કે જાણે કોઈ કાળો વિરાટ-પાડો ધરતી પર ઊભો ઊભો વાગેાળતો હોય એવો આભાસ થયો.

પછી તો બે જોરાવર પગોની પગલીઓ ધમધમી. એક ધોકાના પૃથ્વી પછડાટોમાંથી ઠણકાર ગુંજતા આવે છે, ને ઝીણા મોટા કાંકરા એ બે પગોની ઠેસે ચડી ચડી ઊડતા આવે છે. એકાએક આ ત્રણે જણાંને ભાસ્યું કે આવનારને કઈક સખ્ત ઠોકર લાગી. દેહ પટકાયો. ધોકો ઊડીને જઈ પડ્યો. અને પડનારના મોંમાંથી ઉદ્ગાર ઢળ્યો : “ખમા વેરીઓને ! ખમા દુશ્મનોને !”

આ ત્રણે માણસો અંધારે દોડ્યાં ગયાં. પડનાર સ્ત્રી ઊઠીને ઝોળીમાંથી વેરાઈ ગયેલા ભિક્ષાના ટુકડા વીણતી હતી. અંધારે અંધારે એ કહેતી હતી કે 'હાલો અન્નદેવતા ! હાલો, તમારાં કોઢિયાં ખાંઉં ! ખાંઉં! કરતાં હશે.'

ત્રણે માનવીઓએ એક પુરુષને જગ્યામાંથી દોડતો આવતો જોયો. હવે શી ચેષ્ટા થાય છે તે જોવા ત્રણે જણાં ઝાડની આડે છુપાયાં.

"કોણ અમર મા, તમે છો?" જગ્યામાંથી આવેલા પુરુષના અવાજમાં જુવાની હતી.

"હા શાદુળભાઈ, કેમ દોડ્યા આવ્યા ?”

“તમારા શબ્દ અચાનક થંભી ગયા, ને પછડાટી સંભળાણી, એટલે હું દોડ્યો.”