પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
પુરાતન જ્યોત
 


"રાણો ભગત કોણ હતા ?"

"કોળી હતા. બીજા વેલો બાવો તે પણ અસલ કોળી હતા, ને ત્રીજા ઈંગારશા અમરેલીના સાંઈ હતા, ચોથા મારા ભાઈ મુંજાસરવાળા માંડણ ભગત. ચારે જણ અડસઠ તીરથ ફરીને પાલિતાણે શેત્રુંજા માથે જાત્રા જુવારવા ગયા.”

"શ્રાવકોના દેવની જાત્રા?” શાદુળે પૂછ્યું.

“હા ભાઈ, એ સર્વે પણ એક જ મહાપંથના માર્ગી છે ને? જૂજવું જોનારી તો આપણી જ આંખો છે.”

"પછી બાપુ?” વાર્તા સાંભળવા અધીરી થઈ રહેલ અમરબાઈએ પૂછ્યું.

"પછી તો શેત્રુંજાનાં દેવળોમાં ફરતાં ફરતાં રાત પડી ગઈ. આ ચાર જણાનું ધ્યાન ક્યાંથી રહે ? શ્રાવકોનાં તો ગંજાવર દેવસ્થાનો ! ગોઠી લોકો તાળાં દઈને નીચે ઊતરી ગયા, સવારે આવીને જુએ તો અંદર ચાર અજાણ્યા જણ દીઠા ને 'ચોર ચોર !' એવી બૂમ પડી. ચારેને પકડ્યા. પકડીને મારતા મારતા લઈ આવ્યા. ચારે જણ કહે કે ભાઈ, માર અમને બહુ વસમો લાગે છે. અમે કાંઈ ચોર નથી. તમારા હીરા-કંકર-પથર અમારે તો માટી બરાબર છે. તમારા દેવનું અમે કશું જ લીધું નથી. દેરાંવાળા કહે કે સાક્ષી કોણ? આ ચારે જણાએ કહ્યું કે સાક્ષી ખુદ તીર્થંકરો. પછી રાણાએ આ આરાધ કહીને તીર્થંકરોને પોતાની સાક્ષીએ તેડાવ્યા હતા. તે પછી ત્રણ જણા તો ઊતરી ગયા. પણ ઈંગારશા તો સાંઈ ખરો ને ! એટલે કહે કે હવે હું ન જાઉં. અહીં જ બેસીશ ને પહેલી સલામ જાત્રાળુઓ પાસેથી હું માગીશ.”

ત્રણે મુસાફરો તે વખતે ત્યાં રજુ થયા ને ત્રણેયે ખેાળા પાથર્યા.

"તમે કોણ, બાપ?” દેવીદાસજીએ નજર ઠેરાવીને પૂછ્યું.