પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
પુરાતન જ્યોત
 

કબરો હતી તેની બાજુમાં જ બે ખાડા ખોદાયા. એક મહોત્સવ મચી ગયો. એ મહોત્સવ મૃત્યુનો હતો. જીવનનાં કર્તવ્યો ઉકેલી કરી, નવી દુનિયાની કોઈ નિશ્ચિત સફરે ઊપડવાનું હોય, કોઈ મોટી યાત્રાએ, કોઈ પર્યટને પળવાનું હોય, તે જાતનો સમારંભ મચી ગયો. અષાઢી બીજનો ત્યાં મેળો ભરાયો. ને દેવીદાસજીએ તથા અમરબાઈ એ જાતે રાંધણું કર્યું. છ હજાર માણસોને પૂરું પડી શકે તેટલું ઘઉંનું ભરડકું બાનાવ્યું.

ઉગમણી બાજુએ કાઠીઓનો કૂવો હતો. પરબની જગ્યામાં પાણીની તંગી હતી. કાઠીઓ કૂવા ઉપર કોસ ચલાવી લ્યે એટલે મંડાણનો તમામ સરંજામ ઉપાડીને ઘેર લઈ જાય. શાદુળ ભગતે એક આખો બાવળ કાપી નાખ્યો. તેમાંથી મંડાણનો સરંજામ બનાવ્તો. બનાવીને કૂવા ઉપર માંડ્યો. જ્યાં કોસ હાંકવાનો આદર કરે છે ત્યાં વાવડીના કાઠીઓએ આવીને મંડાણ તોડી કઢાવી નાખ્યું. શાદુળ ભગતને અણછાજતાં વેણ પણ કહ્યાં. શાદુળે શાપ આપ્યો કે 'આ કૂવા ઉપર કાઠીઓ પણ આ મંડાણની પેઠે જ ચૂંથાશે.'

શાપની કથા સાંભળીને સંત દેવીદાસજી બહુ દુભાયા. અને જગ્યાના એ જેવાતેવા કુવા ઉપર દિવસ અને રાત પાણી ઉલેચી ઉલેચીને સંતે, અમરબાઈએ તથા શાદુળે અવેડો ભર્યો. હજારો માણસો લાપસીનું ભરડકું ખોઈ વાળીને ખાતા જાય ને અવેડામાંથી ખોબા ભરી પાણી પીએ એવી ગોઠવણ હતી. ત્યાં ન્યાતજાતના ભેદો નહોતા, વર્ણ વર્ણની આભડછેટ નહોતી, હિન્દુ-મુસલમાનોના ભેદ નહોતા.

સમાત લેવાનું ટાણું આવી પહોંચ્યું. ભરવસ્તીમાં એક જ પ્રાણી રોતું હતું. શાદુળ રોતો હતો. શાદુળ, શા માટે રોવાછ બાપ? શાદુળ કેમ કરીને સમજાવે ! —