પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૯૯
 


રોઈ રોઈ કેને સંભળાવું રે
જેસલજી કે' છે.
ઊંડાં દુ:ખ કેને સંભળાવું રે
જાડેજો કે' છે.
રુદિયો રુવે રે
મારો ભીતર જલે.

એનું ભીતર જલતું હતું. ન સમજાવી શકાય તેવી કોઈ મર્મવ્યથા એને વીંધતી હતી. એને આશંકા પડી ગઈ હતી કે અમરબાઈના અંતરમાં એક દહેશત હતી તેથી જ એ દેવીદાસજીની જોડે સમાય છે.

"શાદુળ ! વીરા !” અમરબાઈ એ આવીને પંપાળ્યો : “તમને એકલા મૂકવા પડે છે. એકલવાયા તોય તમે સમરથ છો. ભગત, આપણે તો ત્યાં પાછા ભેળા થવાનું છે ને !”

એ વખતે ભજનના સૂર ઊડતા હતા કે —

મળજો આલેકને દરબાર
મળજો જતિસતી હો જી !

"જુઓ ભગત, સંતોના સૂર સાખ પૂરે છે, અમે ત્યાં તમારી વાટ જોશું. પણ ઉતાવળ કરીને આવશો મા. સંસારની તમામ વળગણ છૂટી જાય તો પછી તો તમારે ને અમારે ક્યાં છેટું છે? બારણું ખોલશો એટલે બીજા ઓરડામાં અમે બેઠાં જ હશું, ભગત !”

સહુ સંતોને રામરામ કરીને પછી દેવીદાસજી અને અમરબાઈ પરસ્પર સન્મુખ થયાં.

અમરે કહ્યું : સત દેવીદાસ !

દેવીદાસે કહ્યુંઃ અમર દેવીદાસ !

બન્નેએ દશે પ્રાણદ્વાર બંધ કરી લીધાં. થોડી વારે બંને શરીરમાંથી આત્મા છૂટી ગયો.