પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
પુરાતન જ્યોત
 

બેઉને સમાધ આપવાની તૈયારી છે તે જ ક્ષણે બે ડોસા હાજર થયા. દાંત વગરના ને જરાગ્રસ્ત એ બુઢ્ઢા બીજા કોઈ નહીં પણ ગિરનારવાસી જોગી નૂરશા અને જેરામશા હતા.

બેઉએ નિષ્પ્રાણ સંતોનાં કલેવરોને સમાધના ખાડામાં ઓતર-દખણાદાં પધરાવ્યાં ને પછી ઉપર ધૂળ વાળી દીધી.

બેઉ સમાધિસ્થાનો પર હિંદુ-રીતિ મુજબની સમાધ કે દેરી નહીં પણ આરામગાહ બાંધવામાં આવી, ઉપર સોડ ઢંકાવી શરૂ થઈ.


[૨૧]

શાદુળ એકલો પડ્યો. શાદુળને પોતાનાં જૂનાં ભજનો સાંભરતાં થયાં :

ઇંદરીકા બાંધ્યા અબધૂત !
જોગી ન કે'નાં જી
જબ લગ મનવા ન બાંધ્યા
- મેરે લાલ !

એકલવાયો શાદુળ સમજતો હતો કે ઈન્દ્રિયો બાંધેલી છે, પણ અંતરના તલસાટ ઓછા નથી થયા. મનને એકલતા મારી રહી છે.

રક્તપીતિયાંનાં મળમૂત્ર ધોવામાં એણે મનને જોતરી દીધું. પતિયાં ચીસો પાડતાં પાડતાં કહેતાં હતાં કે, “શાદુળ બાપુ ! તમારો હાથ પોચો ખરો, પણ અમરમાના હાથ જેવી સુંવાળપ તો નહીં હો !”

તરત જ અમરબાઈનો દેહ એની સામે ખડો થતો. શાદુળનું હૃદય બાળકની પેઠે ચીસો પાડતું. એ ચીસોને શબ્દોમાં ઉતારવા કદી કદી એકતારો ખાળે લેતો ને સંત શાદુળ ગાતા તોરલ-વિછોડ્યા જેસલનું રુદનગીતઃ