પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૧૦૧
 રોઈ રોઈ કેને સંભળાવું !
જેસલજી કે' છે.
ઊંડાં દુઃખ કેને સંભળાવું !
જાડેજો કે' છે.
રૂદિયો રુવે રે
મારો ભીતર જલે.

પણ ગાવાથી વેદના વધતી. એકલા શાદુળ એકલતાની ભઠ્ઠીમાં ઓગળતા રહ્યા.

*

કૂવાનું ખોદાણ ઘણે ઊંડે ગયું છે, પણ પાણીનો પત્તો નથી. ભગત પોતે અંદર ઊતરીને ખોદે છે, 'સત દેવીદાસ ! અમર દેવીદાસ !'ના શબ્દ પુકારે છે, પણ પાણીની આવ હોંકારો દેતી નથી.

માણસો માનતાં હતાં કે શાદુળ ભગતનાં સત પાણી કાઢશે.

ભગત જાણતા હતા કે હજી મનનાં પરિભ્રમણ પૂરાં નથી થયાં. કુદરતના કાળમીંઢ પથ્થરોને વીંધી નાખે એવી આત્મશક્તિની શારડી મને મળી નથી. પાતાળમાં વહેતાં ઝરણાં જોડે મારા મનની ખરી મહોબ્બત ક્યાં બંધાઈ છે? હું તો હજુ ઝૂરતો નર છું. પાણી નહીં નીકળે.

એવામાં કોઈક ખબર લાવ્યું કે ઘોઘાવદરવાળા સંત ‘દાસી જીવણ' પાડોશના ગામમાં પધાર્યા છે.

'દાસી જીવણ' તરીકે જાણીતા જીવણદાસજી જાતના ચમાર હતા. શાદુળ ભગતને દિલમાં પ્રશ્ન થયો : એને લઈ આવું ? એનાં સત અજમાવું?

બીજો વિચાર જગ્યાના અભિમાનનો આવ્યો : મારા ગુરુથી અને અમરબાઈથી શું એક ચમાર ભક્ત ચડિયાતો ?