પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
પુરાતન જ્યોત
 

અને જાણે પોતાના જ તંબૂરાનો તાર બેલી ઊઠ્યોઃ

જબ લગ મનવા
ન ધોયા મેરે લાલ.

મનમાં સરસાઈનો મેલ ભર્યો છેઃ ભગત, તમે જોગી શાના?

ગાયોનાં ધણેધણ આવીને 'પાણી ! પાણી !' ભાંભરી ઊઠ્યાં. કૂવો ઠાલોઠમ પડ્યો છે. શાદુળ ભગતનો ગર્વ ફરીથી ભાંગ્યો, એને ઘણાએ વાર્યો કે જગ્યાનું માતમ જાશે. છતાં એ જીવણદાસજીને તેડવા ગયા. તેડી લાવ્યા.

જીવણ તો રાધાનો અવતાર મનાતા. જીવણનાં રૂપ તો અનોધાં હતાં. ફાંકડા જીવણને નીરખી શાદુળ વિમાસણમાં પડી ગયો, કે આ 'મસ્તાનો' આદમી શું સંત ! વધુ વિમાસણ તો જીવણદાસજીની જોડે ચારપાંચ સ્ત્રીઓને જોવાથી થઈ. શાદુળે ભયંકર કસોટી આદરી.

જીવણદાસજીને પોતે કૂવાકાંઠે લઈ ગયા. બતાવીને કહ્યું કે, “પાણી નથી.”

"બહુ વપત્ય !”

"ફરતી સીમનાં ધણ ધા નાખે છે.”

"કસ જોવરાવ્યો'તો ?"

"તમે જોઈ દેશો?”

“ભલે બાપ લ્યો હું ઊતરીને જોઈ દઉં.”

ખાટલીમાં બેસારીને દોરડા વતી જીવણદાસજીને ઊંડા કૂવાને તળિયે ઉતાર્યા, ને પછી ખાટલી પાછી ખેંચી લીધી.

પથ્થરોનાં વળાં તપાસીને પછી જીવણદાસજીએ કહ્યું : "હવે મને ઉપર સીંચી લ્યો.”

"એ તો નહીં બને.” શાદુળ ભગતે સામો જવાબ દીધો.

“શું નહીં બને ?”

"આ કૂવામાં પાણી આવ્યા અગાઉ તમને બહાર કાઢવાનું.”