પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


જીવનનો પટ ખૂંદે, ત્યારે હજાર હજાર ઊર્મિ-આવેશની ત્યાં રેખાઓ આલેખાઈ જાય. હું તો બીતો બીતો એ ઊર્મિભોમના દ્વાર પરથી જ પાછો વળ્યો છું.

ડાડા મેકરણની કથા જેવી મળી તેવી સીધેસીધી કહેવાઈ છે. મેકરણની સાખીઓ કચ્છી બોલીમાં છે. તેને શુદ્ધ કરી દઈ અર્થો આપનાર કચ્છી લોકસાહિત્યના સંશોધક કવિ શ્રી દુલેરાય કારાણીનો હું ઋણી છું.

જેસલ-તોરળના કથાપ્રસંગમાં બરાબર લોકવાણીને અનુસરેલ છું. વહાણ ડૂબવાની ઘટના ઘણાના માનવા મુજબ સાચેસાચ બની નથી પણ માત્ર રૂપક છે. એક સમસ્યા ઊભી જ રહી છે : જેસલ-તોરલ દંપતીભાવે રહ્યાં હતાં કે નહીં ? મેં એ વાતની છેડતી કરી નથી. મૃત્યુને માંડવડે, છેલ્લી સમાધ વેળા જ એમણે લગ્ન સાધ્યું, એ મુદ્દો મને ભજનમાંથી જડ્યો છે, ને એની ભવ્યતા સચવાય માટે મેં તોળલના ગર્ભને કાઠી પતિનો જ લેખાવ્યો છે. જેસલ-તોળલ વચ્ચે જાતીય ભાવ, મને લાગે છે કે, 'સબ્લિમેટેડ’ –– ઉન્નત બની રહ્યો હતો.

અલખને – નિરાકારને કેવળ જ્યોતરૂપે જ આરાધનારા આ રસિક ત્યાગીઓનું સંગીતપ્રેમી, નૃત્યપ્રેમી, મોતને પણ નૃત્ય-સંગીતના બળે હંફાવતું તેમ જ ભેટતું ઊર્મિ-જીવન મને વહાલું લાગ્યું છે, તે લોકકથાઓએ તેમ જ લોકભજનોએ મારા અંતઃકરણ પર એ જેવું અંકિત કર્યું તેવું જ મેં આલેખ્યું છે. પુરાતન જ્યોતના ભેદી વાતાવરણ વચ્ચે પેસીને જ મેં તેમના ઊર્મિ-ધબકારા પકડ્યા છે. તેઓ મોક્ષે કે સ્વર્ગે ન પહોંચ્યાં હોય, તો પણ તેઓને સંતો માનું છું.

રાણપુર : ૩૦-૧૧-'૩૭
ઝવેરચંદ મેઘાણી
 


[બીજી આવૃત્તિ]

રૂરી શુદ્ધીકરણ કરવા ઉપરાંત આ આવૃત્તિમાં મોટો ફેરફાર કર્યો નથી.

જેસલ-તોરલની કથામાં છેલ્લે જે જેસલને અને તોરલને જુદાં પડવાનો પ્રસંગ છે તેમાં મેં ભૂલથી એવું લખેલું કે વાયક તો એકલું તોરલને જ આવેલું; જેસલને અમુક મંડળમાં જવાનો અધિકાર ન હોઈ તે

11