પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
પુરાતન જ્યોત
 

અડકાડ્યો ને કહ્યું : “ભાઈ, ઓણ સાલી જગ્યામાં પાણકોરું ન આપી શકળ્યો તેથી શું શરમાઈ ગયો ? ઊઠ ઊઠ, પાણકોરું ન દે તો કાંઈ નહીં.”

આપણને નથી પરવા કે એને કહ્યે મૂએલો ઢેડ ઊઠ્યો કે ન ઊઠ્યો, પણ શાદુળ ભગતના જીવન-ભેદ ટળી ગયા હતા તે તો આ વાતમાંથી નીકળે છે.

દુહા એના ગવાતા થયા :

સૂરે શીશ ઉતારિયાં
આવી નાખ્યાં ખળે,
શાદુળ દેવંગીની ફોજમાં
ભાંગલ નર નૈ મળે.

વળી

પરબે અમર પરસીએં
જોગેસર જપે જાપ;
ડેણ ડરે ને ભૂત ભાગે
તાવમાં પડે ત્રાસ.

પણ શાદુળના મનની વેદનાઓને આ દુહાનાં થૂંક ઓલવી ન શક્યાં. શું કરું તો જીવ જંપે ? આ મનના વલોપાત મને મૃત્યુ પછીય જંપવા નહીં આપે તો શું કરીશ? મારી પ્રેતગતિ તો નહીં થાય ? શો ઇલાજ કરું? એક સ્ત્રીના હૃદય ઉપર એકાદ ક્ષણની સત્તા ભોગવવા જતાં મને કેવી સજા મળી ? શું કરું તો એ એક ઘડી ભોગવેલી મારી સત્તાના ચૂરા થઈ જાય ?

ભેંસાણ, રફાળિયું, ગળથ, બરવાળું, હડમતિયું, દેવકીગાળોલ, ખંભાળિયું ને રાણપુર : એ ચોય દિશાનાં ગામડાં, જ્યાં અમરબાઈ એ રામરોટી માગી હતી, ત્યાં હવે શાદુળ ભગતની એકલપંથી ટહેલ શરૂ થઈ. શાદુળની નજરે એ સાતે ગામની સીમમાં અમરબાઈનું સ્વરૂપ તરવરતું હતું. માર્ગે માર્ગે જાણે