પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
પુરાતન જ્યોત
 


વાણિયો રોઈ પડ્યો.

"કેમ?” રામવાળાએ પૂછ્યું.

“મને શાદુળ ભગતે સમરથ છતાં કહ્યું કે તારા પ્રારબ્ધમાં દીકરો નથી."

રામવાળાના દેહમાં ભભક આવી. એણે કહી નાખ્યું : "જા, દેવીદાસ તને દીકરો દિયે છે.”

એ પછી એક મહિને શાદુળ ભગતને આ બનાવની ખબર પડી. એણે રામવાળાને કહેવરાવ્યું: “તેં બહુ ખોટું કર્યું. સંત દેવીદાસને માથે બદનામું ચડાવ્યું. હવે તો કાં તારે ને કાં મારે, એને પેટ પડવું જોશે.”

“તો હવે વચને રે'જો.” રામવાળાએ જવાબ મોકલ્યો અને પોતે પોતાની સમાધનો દિવસ નક્કી કરીને કંકેતરી લખાવી. સમાધ પણ ગાળીને તૈયાર રખાવી. શાદુળ ભગતને તેડું મેકલ્યું.

"હવે ભાઈ," શાદુળ ભગતે કહાવ્યું: “ખાડો બૂરવો છે એમાં શું માણસ દોડાવછ ?"

"તો કાંઈ નહીં ભગત !”

રામવાળાએ શાદુળ ભગતના વિના જ ચલાવ્યું. સમાધમાં બેસવાનું પ્રભાત આવી પહોંચ્યું.

“તમને એકલા તે કેમ જવા દઈશ ?” માંગલબાઈ એ પણ સાથે બેસી જવાની હઠ લીધી.

એક કુંભાર ને કુંભાર્ય: એક આયર ને આયરાણીઃ એ ચાર બીજાં પણ સાથે સમાવા તૈયાર થયાં. એક ભેરવો (કાળો) કૂતરો પણ એ છનો સાતમો સાથી થવા આવી ઊભો રહ્યો.

સર્વનું સામૈયું ચાલ્યું ત્યારે માંગલબાઈ એ ભજન ઉપાડ્યુંઃ