પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઘરે રહેલા. આ દોષ પ્રત્યે તળાજાવાળા ભાઈ રતિલાલ કેશવજીએ પાંચ વર્ષ પર મારું ધ્યાન ખેંચેલું, તે મુજબ આ વખતે સુધારો કર્યો છે. એ ભાઈનો આભાર માનું છું.

આ આવૃત્તિ થઈ રહી છે તે વખતે આપણી સંત ભજનવાણીના બહોળા પ્રદેશનું સંશોધન-સંપાદન મેં મારા હાથ પર લીધું છે. લોકસાહિત્યની દુનિયાનો આ છેલ્લો અને સર્વોત્કૃષ્ટ વિભાગ છે. એનો સંગ્રહ પુસ્તકાકારો વેળાસર પ્રકટ થશે. અત્યારે એની પ્રસાદી હું 'ફૂલછાબ' સાપ્તાહિકમાં પીરસતો રહું છું.

એકંદરે લોકવાણીની આટલી સામગ્રી હું ગુજરાત પાસે રજૂ કરી શકયો છું :

સ્ત્રીગીતો: 'રઢિયાળી રાત'ના ચાર ખંડોમાં, 'ચુંદડી'ના બે ખંડોમાં. ‘હાલરડાં'ના એક ખંડમાં.

પુરુષગીતો ‘સોરઠી ગીતકથાઓ'માં, 'ઋતુગીતો'માં.

વ્રતસાહિત્ય: 'કંકાવટી'ના બે ખંડોમાં.

કથાસાહિત્ય : 'સૌરાષ્ટ્રની રસધાર'ના પાંચ ખંડોમાં, 'સોરઠી બહારવટિયા'ના ત્રણ ખંડોમાં, ‘દાદાજીની વાતો'માં, 'રંગ છે બારોટ'માં.

સંતચરિત્રો ને સંતવાણી : 'સોરઠી સંતોમાં, પુરાતન જ્યોત માં અને આગામી ભજનસંગ્રહોમાં.[૧]

વિવેચન : 'લેકસાહિત્ય', 'ધરતીનું ધાવણ', 'ચારણો અને ચારણી સાહિત્ય', 'લોકસાહિત્ય — પગદંડીનો પંથ' એટલાં પ્રકટ છે; મુંબઈ યુનિવર્સિટીનાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનો છપાવાં બાકી છે. [૨]

ઉપલા સર્વની ઉપર નવો જ પ્રકાશ પાડે તેવો એક પ્રયાસ એ 'ટાંચણપથીનાં પાનાં' એ મથાળા નીચે 'ઊર્મિ' માસિકમાં શરૂ કર્યો છે. લોકસાહિત્યના સંશોધનનાં છેલ્લાં ૨૨–૨૩ વર્ષો દરમિયાન મેં , જે ટાંચણ કર્યા છે, તેના આધારે મારા સંશોધનનો ઇતિહાસ લખી રહ્યો. છું. કઈ વસ્તુ મને ક્યારે ને કેવા સંજોગોમાં મળી, મને ભેટેલાં એ


  1. ૧. 'સોરઠી સંતવાણી' નામે આ ભજન-સંગ્રહ ૧૯૪૭માં પહેલો બહાર પડ્યો.
  2. ૨. આ વ્યાખ્યાનો 'લોકસાહિત્યનું સમાલોચન' એ નામે હવે પુસ્તકાકારે પ્રાપ્ય છે.
12