પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
પુરાતન જ્યોત
 



૨. દત્તાત્રેયનો મેળાપ

ઢારમો સૈકો ચાલતો હતો. કચ્છ જેવી પાણિયાળી ધરા હતી. માથાનાં ફરેલ માનવીઓને જન્મ દેતી એ કચ્છ-ધરાએ ખોંભડી ગામના હટી રજપૂત હળધ્રોળજીને ઘેર પવાંબાઈ રજપૂતાણીની કૂખે બે દીકરા જન્માવ્યા. એક પતોજી, ને બીજો મેકોજી. પતોજીની બેઠક બાલ્યાવસ્થાથી જ જ્યાં ઈસ્લામના ભાવથી ભરેલી સુંદર બેત ને કાફીઓ ગાનારા દાયરા ભરાતા તેની વચ્ચે હતી ને મેકોજી હિંદુ ધર્મની હવામાં ઊછર્યો ને રંગાયો. ઘર છોડીને ક્યારે એ નીકળ્યો, ગુરુ ગાંગોજી કોણ હતા ને ક્યાં મળ્યા, તેનો કોઈ પત્તો નથી. કચ્છ, પારકર અને ઠઠા તેમ જ થર નામે ઓળખાતા પ્રદેશની ઈષ્ટદેવી ગણાતી આશાપરાનો પંજો એને મળ્યો હતો એટલું જ એનાં ભજનોમાંથી તારવી શકાય છે. હિંગળાજનો મઠ કચ્છ ને સિંધની વચ્ચે આવ્યો છે. એ દેવીને આજે પૂજા બેની જ ચડે છે: એક કાપડી પંથના સાધુઓની, ને બીજી કુંવારકાની. હિંગળાજને પહેલા થાપા મેકોજી નામના બાળ-જોગીએ ચોડ્યા કહેવાય છે.

એક દિવસ ગિરનારના કબજેદાર ગણાતા જોગીસમૂહમાં જાણ થઈ કે આપણા પહાડની છાયાભોમમાં, સરભંગ ઋષિનો જે ઠેકાણે આશ્રમ હોવાનું કહેવાય છે, એ જ ઠેકાણે એક અજાણ્યા જુવાને ધૂણો ચેતાવ્યો છે. નથી એ કોઈ મંદિરમાં જતો, નથી એ એકેય દેવની મૂર્તિ રાખતો, નથી કોઈ ધર્મકિયા કરતો. એ બેમાથાળો કોણ છે?

ધૂણો નાખ્યો ધરાર
આંબલિયું મોઝાર;
તરસૂળ ત્રણ પાંખાળ
ખોડે ડાડો મેકરણ.