પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત મેકરણ
૧૨૩
 

 દત્ત ગરનારીની જમાતે પોતાના ગરાસ જેવી ગણેલી આ ગરવા ફરતી પૃથ્વીમાં રજા સિવાય એ કોણ દાખલ થયો છે? ગુરુ દત્તની પાસે ફરિયાદ થઈ.

ગામડે ગામડે આ દત્તાત્રેયનો ધોકો ફરતો. એ ધોકાની નિશાની ન ધરાવનારી ઝોળીમાં કોઈ ભિક્ષા નાખતું નહોતું. દત્તની સ્થાપેલી શિસ્ત સડી અને કડક હતી. દત્તે તો પોતાની જમાત માટે કપરી તાવણ ઠરાવી હતી. દત્તના ચેલાઓ દિગમ્બરો રહેતા, તપોધનો હતા, ગુફાવાસીઓ હતા. ચલમ અને સાફી એ આ જમાતના સંગઠનનું પ્રતીક હતું. ન્યારા ન્યારા પંથ ચલાવનારાઓને દત્ત ડારતા હતા. ભેખની ભવ્યતા ગુરુ દત્તે સાધી છે તેટલી કો વિરલાએ જ સાધી હશે.

એવા દત્તના ધોકાને પોતાના ધૂણા પર રોકી રાખનાર આ જુવાન કોણ હતો ?

દત્તની ચાખડીઓએ ગિરનારના પથ્થરો ગુંજાવ્યા. દત્ત નીચે ઊતર્યાં ને ત્યાં ગયા, જ્યાં ગિરનારથી આઠેક ગાઉ પરની પુરાણપુરાણી જગ્યાનો ઉજજડ વેરાન ટીંબો નવેસર ચેતાવતો મેકણ નામનો જુવાન બેઠો હતો.

દત્તે મિલન-બોલ પુકાર્યો :

સત સ ર ભં ગ !
લોહીમાંસકા એક રંગ !

જવાબ જડયો :

“જી નામ !”

આ જવાબમાં અજાણ્યો શબ્દ સાંભળીને ગુરુ દત્ત નવાઈ પામ્યા. એણે પ્રશ્ન કર્યો:

દત્ત પૂછે ડીગંબર!
તું જોગી કે જડાધાર ?
કળાસંપૂરણ કાપડી,
તારો આગે કુણ અવતાર ?