પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
પુરાતન જ્યોત
 


“તું કોણ છો હે દિગમ્બર? તું આટલો તેજસ્વી ક્યાંથી ? તારાં આ રૂપ ક્યાંનાં? તું યોગી છે? કે સાક્ષાત્ શંકર છે ? તારો પૂર્વાવતાર કયો ?"

જવાબમાં એ નવસ્ત્રો જુવાન આટલું જ બોલ્યો :

દાતા મેરે દતાતરી !
મેકો મંગણહાર.

"હે ગિરનારી ! હું મેકો તો તારી પાસે માગણહાર બનીને આવ્યો છું.”

ને હું બીજો કોઈ નથી :

મેં સંગાથી રામકા,
ઓરનકા કુલ નાંઈ;
ખટ દરસનમાં ફરન્તાં
દરસન મળિયાં આંઈ.

"હે ગુરુ, છ દર્શનોનું ભણતર ભણ્યો છું. તે પછી જ તમારાં ગેબી દર્શન જડ્યાં છે.”

“શું માગે છે તું ?

“સાચો જીવન-પંથ. સાચો ધર્મ.”

"માગતા પહેલાં શી શી તૈયારીઓ કરી છે જુવાન ?”

"ગિરનારને બાર વર્ષ પરકમ્મા દીધી છે. બાર વર્ષ કંદમૂળ જમીને ઝરણાંનાં પાણી પીધાં છે. તમારા કાયદાનું પાલન કરી ચૂક્યો છું.”

"ચોર બનીને કેમ આવ્યો ?”

"શાહુકાર બનીને આવ્યો હોત તો તમારી પાસે પહોંચવાય દેત કે તમારા ચેલા?”

“કઈ ધરતીનો બેટો છે તું?”

“કચ્છ-ધરાનો.”