પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત મેકરણ
૧૨૫
 


"જા ત્યારે, જન્મ દીધો છે જે ધરતીએ, એને જ ચરણે ચાકરી ધરી દે. તેનાં ભૂખ્યાંની ભાળ લે. ત્યાં જઈ ધૂણો ચેતાવ. સકળ ધર્મનો સાર એ એક જ ધર્મ છે. બીજી બધી સાંપ્રદાયિક ઈન્દ્રજાળ છે.”

"આદેશ આપો. નિશાની આપો. જગતને ધૂતનારા ફરે છે તેની વચ્ચે મને કોણ ઓળખાવશે ?"

“ઓળખાવશે તો તારી કરણ જ એકલી. પણ લે આ બે તુંબડાં. ખંભે કાવડ ઉપાડ, ને દેહ તૂટી ન પડે ત્યાં સુધી ફેરવ.”

કાવડનું સેવાચિહ્‌ન આ પ્રમાણે સૌ પહેલું મેકરણને સોંપાયું. સોંપ્યું ગુરુ દત્તાત્રેયે.


૩. બે પશુઓ

ડુંગરા જ્યાં થંભી જાય છે ત્યાંથી કચ્છસિંધ વચ્ચેનું કારમું રણ ધરતીનો કબજો લ્યે છે. એને ખાવડાવાળું રણ કહે છે. એ રણે ઊંટની વણજાર ગાયબ કરી છે. પોઠ્યો ને પોઠ્યોએ રણના પેટમાં સમાઈ ગઈ છે. જીવતાં માનવીઓને એ વેરાને પોતાના જઠરમાં ઉતાર્યા છે. તાપ, વંટોળિયા અને ઝાંઝવાં એ રણમાં કાળનૃત્ય કરે છે. પવન વાય છે, અને મોટા અસુરો-શા વંટોળ એ રણની છાતીમાંથી હહુકાર કરતા ઊઠે છે, ગાઉઓના ગાઉ ત્યાં નિર્જળા ને ખારા પડ્યા છે. ઠઠા, થર, સિંધ અને પારકર જવાનો ધોરીમારગ એ રણને ફેસલાવતો-પટાવતો ચાલ્યો જાય છે.

'મારું થાનક આંહીં જ હોય' એવું વિચારીને મેકરણે ત્યાં એક જગ્યા ગોતી. વસેલી દુનિયાનું છેલ્લું ગામ ધ્રંગ-લોડાઈ. ત્યાં મેકરણે ઝૂંપડી વાળી અને ધૂણો ચેતાવ્યો.