પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત મેકરણ
૧૩૧
 


"ચાલો, જોઈએ તો ખરા એનું મુકામ.”

ગધો અને કુત્તો ચાલ્યા જતા તેને ધ્યાનમાં રાખીને પહાડની ગાળીની અંદર રા' દેશળે ઘોડાં હાંક્યાં.

થાનકની ઝુંપડીએ ગધેડાનાં છાલકાં ઉતારતા ઉતારતા મેકરણ તાવમાં ધ્રૂજતા હતા. એનું ઉઘાડું શરીર રણના શિયાળુ પવનઝપાટાની સામે મહામુસીબતે ટક્કર લેતું હતું. દિવસ આથમી ગયો હતો. ડુંગરા વચ્ચે અંધારું હતું. મેકરણ એ બેઉ પ્રાણીઓને કહેતા હતા:

"ઠકર શેઠિયાઓએ પૂરું અનાજ ન આપ્યું કે લાલિયા? કાંઈ ફિકર નહીં, આવતે અવતાર એની વાત છે. ગધાડાંને માથે મરણતોલ ભાર ભરીને પોતાનાં જાનવરોના નિસાપા લેનાર લુવાણાઓને હું બરાબર પોગીશ.

ઘાઘલ થીંદા ગડોડા,
આં થીંદોસ ઘુવાર;
ભાડા કીંધોસ ભુજ્જા
દીંધોસ ધોકેજા માર.

"લોહાણા (ઘાઘલ) બધા ગધેડા જન્મશે, ને હું એનો ગોવાળ બનીશ. પછી ભૂજનાં ભાડાં કરતો કરતો એને ધોકાનો માર મારીશ.

કૂડિયું કાપડિયું કે'
લુવાણા ડીદા લાઉં;
મેકણ ચે, ભેરિયું કયું હલે
હકડા ગડોડા ને બ્યું ગાઉં.

"કાપડીને અને લુવાણાને તે શે બને? ગધેડાં અને ગાયો ભેગાં કેમ હાલી શકે?

કાંઈ ફિકર નહીં બેટા લાલિયા મોતિયા ! હવે કેટલીક આવરદા કાઢવી રહી છે? આજનો દિન તો ગુજરી ગયો !