પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
પુરાતન જ્યોત
 
આજ અજૂણી ગુજરઈ
સિભુ થીંધો બ્યો;
રાય ઝલીંધી કિતરો,
જેમેં માપ પેઓ !

“આજનો દિન વીતી ગયો. કાલ સવારે બીજો ઊગશે. જે અનાજના ઢગલામાં માપ પડ્યું છે, પાલી અથવા માણું ભરાઈ ભરાઈ ને ઠલવાવા લાગેલ છે, તેને ખૂટી જતાં કેટલીક વાર ! વળી હું તે શા માટે કડવા શબ્દો બોલું છું !

જીઓ તાં ઝેર મ થિયો,
સક્કર થિયો સેણ;
મરી વેંધા માડુઆ,
રોંધા ભલેંજા વેણ

"હે સ્નેહીજનો ! જીવતાં સુધી ઝેર ન બનજો, સાકર બનજો. હે માનવીઓ, આપણે તો મરી જવાનાં. રહેવાનાં છે ફક્ત સજ્જનોનાં વેણ.”

ટાઢિયા તાવમાં થરથરતા મેકરણ પોતાના ધૂણા માથે બેઠા હતા ત્યારે રા’ દેશળજી ઓચિંતા આવીને ઊભા રહ્યા.

"જી નામ !” જોગીએ અતિથિને આવકાર આપ્યો, પણ આસન ન છોડ્યું.

માણસોએ કહ્યું : “ડાડા ! રાવ દેશળજી છે.?"

"પંડ્યે જ રા’ દેશળજી ! બેસો કચ્છ-ધરાના ધણી !”

રાવના દેહ ઉપર ઝળહળતો રાજપોશાક મેકરણને આથી વધુ કાંઈ અસર ન કરી શક્યો.

રાવે આસપાસ જોયું. ઠંડા પવનનાં કરવતો વહેતાં હતાં. તે વચ્ચે કાપડી ખુલે શરીરે થરથરતો તાવભર્યો રહેતો હતો.

“ટાઢ નથી વાતી ?” એણે મેકરણને પૂછ્યું.

"વાય તો ખરી જ ને. પણ કાયા એનો ધરમ બજાવે છે.”