પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪
પુરાતન જ્યોત
 

"અને હે રા !

કૈંક વેઆ કૈં વેધા
કુલા કર્યોતા કેર
માડુએ ધરા મેકણ ચે,
મું સુઝા ડિઠા સેર.

"કંઈક ગયા, કંઈક ચાલ્યા જશે. ઓ માનવી, શા માટે કેર કરે છે? મેકરણ કહે છે કે મેં તો શહેરોનાં શહેરો માનવી વગરનાં સૂનાં બનેલાં દીઠાં છે.

હીકડા હલ્યા,બ્યા હલંધા,
ત્ર્યા ભરે વિઠા ભાર;
મેકણ ચેતો માડુઆ !
પાં પણ ઉની જી લાર.

"રા' દેશળ ! એક તો ગયા, બીજા જશે, ત્રીજા પોતાની ગઠડી બાંધીને જવાની તૈયારીમાં બેઠા છે. હે માનવી ! મેકણ કહે છે કે આપણે પણ એની જ હારોહાર હાલી નીકળવાનું છે.”

“મને કાંઈ જ્ઞાન દેશો ? કાંઈ ગેબી શબદ સંભળાવશો ?”

"કોને સંભળાવું? અધિકારી ક્યાં છે?

મોતી મંગીઓ ન ડિજે,
(ભલે) કારો થીએ કેટ;
જ્યાં લગ માલમી ન મિલે
ત્યાં લગ તાળો દ્યો હટ.

“જ્ઞાન રૂપી મોતી, જેવાતેવા અપાત્રની માગણીથી તેને આપવું નહીં. ભલે એ પડ્યું પડ્યું કટાઈ જાય. ખરેખરો ગ્રાહક મળે, ત્યારે તેની પાસે જ હૈયારૂપી હાટ ઉઘાડવું જોઈએ.

મોતી મંગેઆ ન ડિજે,
મર તાં ચડે કિટ;
ભેટે જડેં ગડજેં પારખુ,
તડેં ઉઘાડજે હટ.